હું મરવા માગતી હતી એટલે પોતાને ઝાડ સાથે બાંધેલી, પણ મોત ન આવ્યું

06 August, 2024 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંધુદુર્ગના જંગલમાંથી મળી આવેલી અમેરિકન મહિલા આ શું બોલી રહી છે

અમેરિકન મહિલાની ફાઇલ તસવીર

૨૭ જુલાઈએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગના જંગલમાંથી ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળી આવેલી ૫૦ વર્ષની લલિતા કાયી નામની અમેરિકાની મહિલા અત્યારે રત્નાગિરિની સ્થાનિક મેન્ટલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. હવે તે બોલી શકે છે એટલે ગઈ કાલે પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું જેમાં લલિતાએ કહ્યું હતું કે ‘હું મરવા માગતી હતી એટલે જાતે જ જંગલમાં ઝાડ સાથે સાંકળથી પોતાને બાંધી લીધી હતી, પણ મોત નહોતું આવ્યું. મારા વીઝા પૂરા થઈ ગયા છે.’ આટલું સાંભળીને પોલીસ ચોંકી ગઈ હતી. લલિતાએ માનસિક બીમારીથી કંટાળીને આવું કર્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

અમેરિકાની મહિલા લલિતા કાયી ૨૭ જુલાઈએ સિંધુદુર્ગના રોનાપાલ જંગલમાંથી દયનીય હાલતમાં મળી આવી હતી ત્યારે પોલીસને એક ચિઠ્ઠી મળી હતી જેમાં તેણે પોતાની આવી હાલત તેના પતિએ કરી હોવાનું લખ્યું હતું. એટલે પોલીસે લ‌લિતા પાસેથી મળી આવેલા પાસપોર્ટ અને આધાર કાર્ડના તામિલનાડુના સરનામા પર જઈને તપાસ કરી હતી. જોકે એ ઍડ્રેસ પર ઘર નહીં પણ એક દુકાન હોવાનું જણાયું હતું.

પોલીસતપાસમાં એવું પણ જણાયું હતું કે લલિતા માનસિક બીમારીથી પીડાય છે એટલે તેની થોડા મહિના પહેલાં ગોવાના બાંબોળી ખાતેની એક હૉસ્પિટલમાં સારવાર થઈ હતી. મોબાઇલ અને ટૅબની તપાસ કરતાં લલિતા મુંબઈ અને ગોવા અનેક વખત એકલી જ ગઈ હોવાનું જણાયું છે.

જંગલમાં પહોંચવા વિશે જાણવા મળ્યું હતું કે લલિતા કોંકણ રેલવેની ટ્રેનમાં મડુરા રેલવે સ્ટેશન પર ઊતરી હોવાની શક્યતા પોલીસે ચકાસી હતી. જોકે ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં તે રેલવે-સ્ટેશને ઊતરી ન હોવાનું જણાયું હતું. સ્ટેશન પહેલાં ઘણી વાર ટ્રેન સિગ્નલ ન હોય ત્યારે ઊભી રહી જાય છે એટલે લલિતા ટ્રેનમાંથી ઊતરીને જંગલમાં પહોંચી ગઈ હોવાની શક્યતા છે. જંગલમાં તેણે એક નાનકડી સાંકળને એક પગ સાથે અને બીજો છેડો ઝાડ સાથે બાંધ્યો હતો. એક પગ અને બે હાથ ખુલ્લા હતા. કોઈ મારવા માગતું હોય તો ભાગી શકે એવી રીતે ન બાંધે. આથી લલિતાએ જે કહ્યું છે એ મુજબ તેણે જ ઝાડ સાથે પોતાને બાંધી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. એ ઉપરાંત લલિતા પાસેનો મોબાઇલ, ટૅબ અને કૅશ ૩૧,૦૦૦ રૂપિયા બૅગમાંથી મળ્યાં છે એ એમનેમ હતાં. લલિતા પાસેથી ખાદ્ય પદાર્થનો ડબ્બો, બિસ્કિટ, પાણીની બૉટલ વગેરે મળી આવ્યાં હતાં. લલિતાની મમ્મી અમેરિકા રહેતી હોવાનું જણાયું છે, પણ ઘણા સમયથી તેમના સંપર્કમાં નથી એટલે લલિતાએ લગ્ન કર્યાં હતાં કે નહીં એ અત્યારે કહેવું મુશ્કેલ છે. 

sindhudurg maharashtra maharashtra news sexual crime Crime News mumbai mumbai news mumbai police