મુંબઈ સહિત આખા રાજ્યમાં બાઇક-ટૅક્સીને સૈદ્ધાંતિક મંજૂરી

27 June, 2024 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ઍપબેઝ્ડ રિક્ષા-ટૅક્સી ઓલા અને ઉબર તો છે જ, પણ હવે બાઇક-ટૅક્સીનો વિકલ્પ પણ ઊભો થશે

ફાઇલ તસવીર

રાજ્યનાં અનેક શહેરોમાં હવે જ્યારે મેટ્રોનું જાળું વિસ્તરી રહ્યું છે ત્યારે છેક સુધીની કનેક્ટિવિટી મળી રહે એ માટે રિક્ષા-ટૅક્સી સાથે બાઇક-ટૅક્સીને પણ પ્રમોટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એથી બાઇક-ટૅક્સીને હવે રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. એને કારણે મુંબઈ જેવા મેટ્રો સિટીમાં એકલા પ્રવાસ કરવા માગતા પ્રવાસીઓને ફાસ્ટ અને સસ્તો વિકલ્પ મળી રહેશે અને સાથે જ અનેક યુવાનોને રોજગારની નવી તક મળશે.

ગોવામાં વર્ષોથી બાઇક-ટૅક્સી ચાલે છે. મુંબઈમાં ઍપબેઝ્ડ રિક્ષા-ટૅક્સી ઓલા અને ઉબર તો છે જ, પણ હવે બાઇક-ટૅક્સીનો વિકલ્પ પણ ઊભો થશે. રૅપિડો બાઇક-ટૅક્સી ચાલુ થઈ હતી. જોકે ટેક્નિકલ કારણોસર એ સ્થગિત કરી દેવાઈ હતી. કેન્દ્ર સરકારે બાઇક-ટૅક્સી માટેની ગાઇડલાઇન બનાવી હતી. જોકે એ પછી લોકસભાની ચૂંટણીને લઈને રાજ્ય સરકારે એના પર નિર્ણય લેવાનું મોકૂફ રાખ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતની એની પૉલિસી તૈયાર કરવા સરકારી અધિકારીઓની એક કમિટી બનાવી હતી જેણે બાઇક-ટૅક્સી માટે પાઇલટ (બાઇક ચલાવનાર) સાથેની અને ભાડાની બાઇક એમ બન્ને વિકલ્પ સૂચવ્યા છે.

ઍપબેઝ્ડ બાઇક-ટૅક્સીની કંપની કિલોમીટરદીઠ સાતથી ૧૦ રૂપિયા પાઇલટને આપશે. જો તે વધારે ટ્રિપ કરશે તો તેને બોનસ પણ મળશે. કેટલીક ઍપ પાઇલટને દર મહિને ૪૦,૦૦૦ રૂપિયા કમાવા મળશે એવો દાવો કરી રહી છે. આ બાઇક-ટૅક્સીને કારણે યુવાનો માટે રોજગારની તક ખૂલશે.

maharashtra news maharashtra mumbai mumbai news