28 February, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમોલ મિટકરી
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના પ્રધાનોના ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (OSD), પ્રાઇવેટ સેક્રેટરી (PS) અને પર્સનલ અસિસ્ટન્ટ (PA)ની નિયુક્તિ પોતાના હાથમાં લીધી છે. એકનાથ શિંદેની આગેવાનીની અગાઉની સરકારમાં પ્રધાનોના OSD, PS અને PA દ્વારા કામ કઢાવવા માટે લાંચ માગવામાં આવી હોવાનો આરોપ છે, એને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય લીધો હોવાની ચર્ચા છે ત્યારે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય અમોલ મિટકરીએ એકનાથ શિંદેની સરકારના પ્રધાનો પર આ બાબતે ગંભીર આરોપ કરવાની સાથે મુખ્ય પ્રધાને લીધેલા નિર્ણયને આવકાર્યો છે. વિધાનસભ્ય અમોલ મિટકરીએ કહ્યું હતું કે ‘એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના પક્ષના પ્રધાન સંદીપાન ભૂમરે, ડૉ. તાનાજી સાવંત, સંજય રાઠોડ અને અબ્દુલ સત્તારના OSDએ લાંચ માગી હતી. આને લીધે અત્યારની સરકારમાં અબ્દુલ સત્તાર અને તાનાજી સાવંતનો સમાવેશ નથી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફિક્સરોને દૂર કરવા માટે લીધેલો નિર્ણય યોગ્ય જ છે.’