મહારાષ્ટ્ર કૅબિનેટનું વિસ્તરણ ટૂંક સમયમાંઃ દેવેન્દ્ર ફડણવીસ

06 June, 2023 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે ૯ ઑગસ્ટે શિંદે-ફડણવીસ સરકાર જૂનમાં સત્તા પર આવ્યા બાદ ૧૮ પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા હતા

ગઈ કાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મળ્યા હતા (તસવીર : પી. ટી. આઇ.)

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે જણાવ્યું હતું કે રાજ્ય કૅબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે અને એની ટાઇમલાઇન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નક્કી કરશે. તેમણે એમ પણ કહ્યું કે શિંદેના નેતૃત્વમાં શિવસેના અને બીજેપી સાથે મળીને તમામ ચૂંટણી લડશે. આ સંદર્ભની ચર્ચા દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથેની તેમની બેઠક દરમ્યાન થઈ હતી.

ગયા વર્ષે ૯ ઑગસ્ટે શિંદે-ફડણવીસ સરકાર જૂનમાં સત્તા પર આવ્યા બાદ ૧૮ પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે નિયમ અનુસાર રાજ્યમાં મંત્રી પરિષદમાં મહત્તમ ૪૩ સભ્યો હોઈ શકે છે. જોકે શિંદે કે ફડણવીસે મંત્રી પરિષદના વિસ્તરણ માટે કોઈ ચોક્કસ સમયરેખા આપી નહોતી.

ફડણવીસે ઉમેર્યું હતું કે ‘ગઈ કાલે અમે (શિવસેના અને બીજેપી) તમામ ચૂંટણીઓ સાથે મળીને લડવા અને સંયુક્ત વ્યૂહરચનાનું આયોજન કરવા વિશે ચર્ચા કરી હતી. અમે તાલુકા અને જિલ્લાઓમાં બન્ને પક્ષો વચ્ચે સંકલન વિશે પણ ચર્ચા કરી છે.’

કૉન્ગ્રેસના નેતા નાના પટોલે અને શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે આ દિલ્હી મુલાકાતની ટીકા કરી હતી. એનો વળતો જવાબ આપતાં ફડણવીસે કહ્યું કે ‘પટોલેની પાર્ટી (કૉન્ગ્રેસ)માં પ્રાર્થનાસભામાં હાજરી આપવા માટે પણ હાઈ કમાન્ડની પરવાનગીની જરૂર હોય છે. બીજેપી એક રાષ્ટ્રીય પક્ષ છે, એમાં અમે દિલ્હી જઈએ તો ખોટું શું છે?’

 

mumbai mumbai news maharashtra bharatiya janata party shiv sena eknath shinde devendra fadnavis amit shah