04 October, 2024 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિના એક પક્ષના થાણેના નેતાને કોઈએ પિસ્ટલની ગોળી પાર્સલમાં મોકલાવી ચિઠ્ઠી સાથે ધમકી આપી છે.
વાગળે એસ્ટેટમાં એ નેતાનું કાર્યાલય આવેલું છે. એના ઍડ્રેસ પર એ પાર્સલ મોકલવામાં આવ્યું હતું જેમાં પેન્સિલની અણી કાઢવાના સંચાનું બૉક્સ હતું જેમાં કાપડના ટુકડા વચ્ચે પિસ્ટલની ગોળી રાખવામાં આવી હતી અને સાથે જ હિન્દીમાં લખાયેલી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં એવું કહેવાયું હતું કે ‘ઇસ બાર બુલેટ કો તુમ્હારે હાથ મેં રખ રહા હૂં, અગલી બાર તુમ્હારે સિર મેં હોગા. યે સિર્ફ છોટા સા તોહફા હૈ, અગલી બાર બડા હોગા.’
વાગળે એસ્ટેટ પોલીસે આ સંદર્ભે ફરિયાદ નોંધાતાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો સહિત આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.