10 March, 2023 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બજેટ રજૂ કરતાં પહેલાં પત્રકારોને ફોટોગ્રાફ માટે પોઝ આપી રહેલા ફાઇનૅન્સ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ પ્રધાનમંડળના સાથીઓ સાથે (તસવીર : સૈયદ સમીર અબેદી)
મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્ય પ્રધાનની સાથે નાણાપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે મુંબઈમાં રાજ્યના વિધાનભવનમાં ૨૦૨૩-’૨૪ માટેનું બજેટ રજૂ કર્યું હતું. એમાં તેમણે શાશ્વત ખેતી-સમૃદ્ધ ખેતી, મહિલા, આદિવાસી, ઓબીસી સમાજનો સર્વાંગીણ વિકાસ, મૂળભૂત સુવિધાનો વિકાસ, રોજગાર નિર્માણ અને પર્યાવરણનો વિકા એમ પંચામૃત લક્ષ્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બજેટ-સ્પીચમાં નાણાપ્રધાને નવી જાહેરાતોનો વરસાદ વરસાવ્યો હતો. ખેતી, કિશોરી-મહિલા, યુવાનો, ઉદ્યોગ, તીર્થસ્થળોનાં જોડાણ-વિકાસ, પર્યટન, રેલ-હવાઈ-રોડ માર્ગના વિકાસ સહિતની અનેક જાહેરાતો તેમણે કરી હતી. મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ત્રણ નવી મેટ્રો લાઇનની સાથે ગેટવે ઑફ ઇન્ડિયાથી થાણે અને નવી મુંબઈ સહિત બીજાં સ્થળો માટેના દરિયાઈ માર્ગ બનાવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી.
વિરાર-અલીબાગ કૉરિડોર માટે ૪૦ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુંબઈના સુશોભીકરણ માટે ૧,૭૨૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આગામી વર્ષમાં ૪,૪૯,૫૫૨.૬૧ કરોડ રૂપિયાની મહેસૂલી આવક સામે ૪,૬૫,૬૪૫.૦૨ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ૧૬,૧૨૨.૪૧ કરોડ રૂપિયાની ખાધ રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. નાણાપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે રજૂ કરેલા બજેટમાં રાજકોષીય ખોટ ૯૫,૫૦૦.૮૦ કરોડ અને રાજ્યના કર્જમાં ૧૦.૬૪ ટકાના વધારા સાથે કુલ કર્જ ૭,૦૭,૪૭૪ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)માં અત્યારે મેટ્રોના ૯ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે બજેટમાં ૧૯,૦૮૦ કરોડ રૂપિયાના ખર્ચે થાણેના ગાયમુખથી મીરા રોડના કાશીમીરા ચોક સુધીની ૯.૨ કિલોમીટર લાંબી મેટ્રો ૧૦, વડાલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધીના ૧૨.૮૮ કિલોમીટરની મેટ્રો-૧૧ અને કલ્યાણથી તળોજા સુધીના ૨૦.૭૫ કિલોમીટરની મેટ્રો-૧૨ની નવી જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે એમએમઆરમાં મેટ્રોનું નેટવર્ક ૩૩૭ કિલોમીટર થઈ જશે. આ સિવાય થાણેમાં સરક્યુલર મેટ્રો લાઇન પ્રોજેક્ટનું સર્વેક્ષણ કરવામાં આવશે.
રાજ્યમાં મેટ્રોની સાથે રેલવે પ્રોજેક્ટ અને એસટીના બસડેપોના ડેવલપમેન્ટ માટે ૪૦૦ કરોડ રૂપિયા ફાળવાયા છે. શરૂઆતના તબક્કામાં ૧૦૦ બસડેપોનું કામ શરૂ કરાશે. ઍર કનેક્ટિવિટીમાં વધારો કરવા માટે શિર્ડી ઍરપોર્ટ ખાતે ૫૨૭ કરોડ રૂપિયાના ખર્ચે નવું ટર્મિનલ, છત્રપતિ સંભાજીનગર ખાતે નવા ઍરપોર્ટ માટે ૭૩૪ કરોડ, નાગપુર ઍરપોર્ટનું વિસ્તરણ, પુરંદરે ખાતે નવું ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ તથા અમરાવતીના બેલોરા અને અકોલાના શિવણી ખાતે નવા ઍરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
મુંબઈના સર્વાંગીણ વિકાસ અને દરિયાઈ માર્ગમાં એમએમઆર માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. મુંબઈના સુશોભીકરણ માટે ૧,૭૨૯ કરોડ રૂપિયા, વિવિધ ફ્લાયઓવર, પારસિક હિલ્સ ટનલ, મીરા-ભાઈંદર પાણીપુરવઠા, મુંબઈ પારબંદર યોજનાઓ માટે જોગવાઈ કરાઈ છે. થાણે-વસઈ ખાડીને દરિયાઈ માર્ગે જોડવા માટે ૪૨૪ કરોડ રૂપિયા તો ગેટવે ઑફ ઈન્ડિયા નજીકની રેડિયો ક્લબ પાસે ૧૬૨.૨૦ કરોડ રૂપિયાના ખર્ચે નવી પ્રવાસી જેટી બનાવવામાં આવશે. અહીંથી થાણે, વસઈ સુધીના દરિયાઈ માર્ગ શરૂ કરવામાં આવશે. વિવિધ પુલ અને બ્રિજ માટે ૧૪,૨૨૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી ૧૦,૧૨૫ કિલોમીટરનાં કામ કરવાની સાથે ૨૦૩ પુલ બાંધવામાં આવશે. આખા રાજ્યની વાત કરીએ તો હાઇબ્રિડ એન્યુઇટીમાંથી ૭,૫૦૦ કિલોમીટરના રસ્તા ૯૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવશે.
સુરક્ષા
બજેટમાં નાગરિકોની સુરક્ષા અને ગુનેગારીને ડામવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મુંબઈમાં સીસીટીવી કૅમેરા મૂકવાના બીજા તબક્કાનું કામ હાથ ધરાશે. સાઇબર ગુનેગારીને ડામવા માટે સાઇબર સુરક્ષા યોજના બનાવાઈ છે. આધુનિક લૅબોરેટરી શરૂ કરવાની સાથે ૪૫ મોબાઇલ યુનિટ ઊભાં કરાશે. રાજ્યમાં બે નવી જેલ બનાવાશે. રાજ્યભરની જેલના કર્મચારીઓના પગારમાં ૧૫ હજાર રૂપિયાનો વધારો કરવા માટે ૧૨,૭૯૩ કરોડ રૂપિયા ફાળવાયા છે. માનખુર્દમાં ૫૦૦ બાળકોની ક્ષમતાવાળું નવું બાળસુધારગૃહ બનાવાશે.
ખેતી
બજેટમાં ખેતીને પ્રાથમિકતા આપવામાં આવી છે. કૃષિ વિભાગ માટે ૩,૩૩૯ કરોડ, મદદ-પુનવર્સન માટે ૫૮૪ કરોડ, સહકાર અને સિંચાઈ માટે ૧,૧૦૬ કરોડ, ફળોના ઉત્પાદન માટે ૬૪૮ કરોડ, અન્ન-નાગરી પુરવઠા માટે ૪૮૧ કરોડ, પશુસંવર્ધન-દૂધના વ્યવસાય માટે ૫૦૮ કરોડ, જળસંપદા-ખારાશવાળી જમીનના વિકાસ માટે ૧૫,૦૬૬ કરોડ, પાણીપુરવઠા અને સ્વચ્છતા માટે ૩,૫૩૫ કરોડ રૂપિયા મળીને કુલ ૨૯,૧૩૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ખેડૂતોને કેન્દ્ર સરકારની જેમ દર વર્ષે ૬ હજાર રૂપિયા રાજ્ય સરકાર પણ ફાળવશે. પાકવીમા માટેનું પ્રીમિયમ સરકાર ભરશે અને ખેડૂત માત્ર એક રૂપિયો ભરીને રજિસ્ટ્રેશન કરાવી શકશે.
વિભૂતિઓનાં સ્મારકો
રાજ્યના ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર, ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજ, હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે, સમાજસુધારક સાવિત્રીબાઈ ફુળે, લોકશાહીર અણ્ણાભાઉ સાઠે, નરહર કુરુંદકર અને શિવાજીરાવ દેશમુખનાં મુંબઈ, પુણે, સાંગલી, અમરાવતી વગેરે સ્થળોએ સ્મારકો ઊભાં કરવા માટે ૧,૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. રાજ્યના બજેટમાં આ પ્રકારે પહેલી વખત જોગવાઈ કરાઈ છે.
તીર્થક્ષેત્રનો વિકાસ
રાજ્યમાં આવેલાં ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, ઔંઢ નાગનાથ, વૈજનાથ વગેરે પાંચ જ્યોતિર્લિંગનું સંવર્ધન કરવાની સાથે રાજ્યના શ્રી સંત સેવાલાલ મહારાજ સ્મારક, શ્રી ક્ષેત્ર જ્યોતિબા પરિસર, શ્રી સંત ગાડગેબાબા સમાધિસ્થળ, શ્રી ચક્રધરસ્વામીનાં સ્થળો, સંત ગુલાબરાવ મહારાજ સ્મારક, ગહિનીનાથ ગઢ, સંત જગનાડે મહારાજ સમાધિસ્થળ અને આર્ટ ગૅલરી વગેરેના ડેવલપમેન્ટ માટે ૯૩૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
મહિલા, આદિવાસી, ઓબીસી વર્ગ
બજેટમાં મહિલા, આદિવાસી અને ઓબીસી વર્ગ માટે મોટી રકમની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા અને બાળવિકાસ માટે ૨,૮૪૩ કરોડ, સાર્વજનિક આરોગ્ય માટે ૩,૫૦૧ કરોડ, સામાજિક ન્યાય અને વિશેષ મદદ માટે ૧૬,૪૯૪ કરોડ, ઓબીસી વર્ગ માટે ૩,૯૯૬ કરોડ, દિવ્યાંગોના કલ્યાણ માટે ૧,૪૧૬ કરોડ, આદિવાસી વિકાસ માટે ૧૨,૬૫૫ કરોડ, માઇનોરિટી વર્ગ માટે ૭૪૩ કરોડ, ગૃહનિર્માણ માટે ૧,૨૩૨ કરોડ અને કામગાર વિભાગ માટે ૧૫૬ કરોડ મળીને કુલ ૪૩,૦૩૬ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. આ સિવાય રાજ્યભરમાં મહિલાઓ એસટી બસમાં પ્રવાસ કરશે તો પચાસ ટકા રાહત આપવામાં આવશે.
યુવાશક્તિ
કુશળ અને સક્ષમ યુવાનોને રોજગાર મળે એ માટે સરકાર ટૂંક સમયમાં લૉજિસ્ટિક પાર્કની નીતિ જાહેર કરશે. નાગપુરમાં ૧,૦૦૦ એકરમાં લૉજિસ્ટિક હબ બનાવાશે. સ્ટાર્ટઅપ માટે કળંબોલી, નવી મુંબઈ ખાતે પ્રશિક્ષણ-સંશોધન કેન્દ્ર ઊભું કરાશે. અહીં રાજ્યભરના યુવાનો રહી પણ શકશે. આ સિવાય નવી મુંબઈમાં જેમ્સ ઍન્ડ જ્વેલરી પાર્ક અને લૅબોરેટરી બનાવવાની યોજના સરકાર ધરાવે છે, જેથી રાજ્યમાં હીરાના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. સરકારના રોજગારના પ્રયાસથી ૭૫,૦૦૦ નવી નોકરીઓ દર વર્ષે ઊભી થવાની શક્યતા છે.
નવી ૧૪ મેડિકલ કૉલેજ
રાજ્યમાં આગામી વર્ષોમાં નવી ૧૪ મેડિકલ કૉલેજ બાંધવાનો નિર્ણય સરકારે લીધો છે. પાલઘર, અંબરનાથ, સાતારા, અલીબાગ, સિંધુદુર્ગ, ધારાશિવ, પરભણી, અમરાવતી, ભંડારા, જળગાવ, રત્નાગિરિ, ગડચિરોલી, વર્ધા અને બુલડાણામાં નવી મેડિકલ કૉલેજ બાંધવામાં આવશે. આ સિવાય આજકાલ માનસિક બીમારીના મામલા વધવાની સાથે વ્યસન કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે એને ધ્યાનમાં રાખીને ભિવંડી, પુણે અને નાગપુરમાં નવાં વ્યસનમુક્તિ કેન્દ્રો બનાવાશે. આ ઉપરાંત થાણે અને કોલ્હાપુરમાં ૮૫૦ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક મેન્ટલ હૉસ્પિટલ બનાવાશે.
મૂળભૂત સુવિધા
રાજ્યમાં મૂળભૂત સુવિધાના વિકાસ પર બજેટમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સાર્વજનિક બાંધકામ માટે ૧૯,૪૯૧ કરોડ, ગ્રામવિકાસ –પંચાયત રાજ માટે ૮,૪૯૦ કરોડ, નિયોજન અને રોજગાર યોજનામાં ૧૦,૨૯૭ કરોડ, નગરવિકાસ માટે ૯,૭૨૫ કરોડ, પરિવહન-બંદર માટે ૩,૭૪૬ કરોડ અને સામાન્ય પ્રશાસન માટે ૧,૩૧૦ કરોડ મળીને કુલ ૫૩,૦૫૮ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
નવા રોજગાર
બજેટમાં રાજ્યમાં રોજગાર નિર્માણ કરવાની સાથે સક્ષમ અને રોજગાર મેળવી શકે એવા કુશળ યુવાનો માટે કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. ઉદ્યોગ વિભાગ માટે ૯૩૪ કરોડ, વસ્ત્રોદ્યોગ માટે ૭૦૮ કરોડ, કૌશલ, રોજગાર માટેના નવા વિભાગ માટે ૭૩૮ કરોડ, સ્કૂલ-શિક્ષણ માટે ૨,૭૦૭ કરોડ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ માટે ૧,૯૨૦ કરોડ, તબીબી અને ઔષધિ માટે ૨,૩૫૫ કરોડ, રમતગમત માટે ૪૯૧ કરોડ અને પર્યટન માટે ૧,૮૦૫ કરોડ મળીને કુલ ૧૧,૬૫૮ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
પર્યાવરણ સંબંધી વિકાસ
વન વિભાગ માટે ૨,૨૯૪ કરોડ, પર્યાવરણ અને પર્યાવરણમાં થતા ફેરફાર વિભાગ માટે ૨૨૪ કરોડ અને ઊર્જા વિભાગ માટે ૧૦,૯૧૯ કરોડ મળીને કુલ ૧૩,૪૩૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં કાર્બનનું ઉત્સર્જન ઝીરો થાય એ માટેના પ્રોજેક્ટ હાથ ધરાશે. ૨૦,૦૦૦ ગ્રામપંચાયતમાં સૌરઊર્જા યોજના લાગવવામાં આવશે. ભુસાવળમાં ૬૦૦ કિલોવૉટનો ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ, સૌરઊર્જાનો પ્રોજેક્ટ શરૂ કરાશે. ખેતીને ફળદ્રુપ બનાવવા અને પર્યાવરણનું સર્વધન કરવા માટે ગ્રીન હાઇડ્રોઝન, ગ્રીન અમોનિયા, સૌર-પવનઊર્જા ક્ષેત્રમાં ૭૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ આવવાની શક્યતા છે. ૧૫ વર્ષથી જૂનાં વાહનો પર પ્રતિબંધ મુકાશે, ૮થી ૧૫ વર્ષનાં વાહનોનો નિકાલ કરનારાઓને નવાં વાહનોની ખરીદીમાં રાહત અપાશે. એસટી ડિવિઝન ૫,૧૫૦ ઇલેક્ટ્રિક બસ ચલાવશે. આ સિવાય ડીઝલ પર ચાલતી ૫,૦૦૦ બસને સીએનજીથી ચલાવાશે.
ગઢ-કિલ્લાનું સંવર્ધન
મહારાષ્ટ્રના આરાધ્યદેવ છત્રપતિ શિવાજી મહારાજે રાજ્યમાં અનેક કિલ્લા બનાવ્યા હતા, જેમની અત્યારે હાલત બહુ સારી નથી. આથી સરકારે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને ૩૫૦ વર્ષ થઈ રહ્યાં છે ત્યારે આ કિલ્લાઓનું સંવર્ધન કરવાનો નિર્ણય લીધો છે. શિવનેરી કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત મ્યુઝિયમ અને તેમના કિલ્લાઓના સંવર્ધન માટે ૩૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ સિવાય આ વર્ષે શિવાજી મહારાજ સંબંધી રાજ્યભરમાં મહોત્સવ માટે ૩૫૦ કરોડ રૂપિયા અને મુંબઈ, અમરાવતી, નાશિક, છત્રપતિ સંભાજીનગર અને નાગપુર ખાતે શિવચરિત્ર સંબંધી ગાર્ડન ડેવલપ કરવા માટે ૨૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
કિશોરીઓને પ્રોત્સાહન
બજેટમાં કિશોરીઓના સક્ષમીકરણ માટે ‘લેક લાડકી’ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરમાં પીળા અને ઑરેન્જ રૅશનકાર્ડધારકોની બાળકીઓને વિવિધ લાભ મળશે. બાળકીના જન્મ સમયે ૫,૦૦૦ રૂપિયા, પહેલા ધોરણમાં ભણવા જાય ત્યારે ૪,૦૦૦ રૂપિયા, છઠ્ઠા ધોરણમાં પહોંચે ત્યારે ૬,૦૦૦ રૂપિયા, જુનિયર કૉલેજમાં પહોંચે ત્યારે ૮,૦૦૦ રૂપિયા અને બાળકી ૧૮ વર્ષની થાય ત્યારે ૭૫,૦૦૦ હજાર રૂપિયા સરકાર આપશે.