સરકારી હૉસ્પિટલમાં ત્રણ મહિલાનાં મૃત્યુના મુદ્દે વિરોધ પક્ષે સત્રમાંથી વૉકઆઉટ કર્યું

14 December, 2023 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારી હૉસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોના સુધારા વિશે સરકાર માત્ર આશ્વાસન જ આપી રહી હોવાનો આરોપ કર્યો

પ્રતીકાત્મક તસવીર

નાગપુરમાં ચાલી રહેલા રાજ્યની વિધાનસભાના શિયાળુ સત્રમાં ગઈ કાલે વિરોધ પક્ષોએ સરકારી હૉસ્પિટલમાં સુવિધાના અભાવે ત્રણ મહિલાનાં મૃત્યુ થયાં હોવાની ઘટનાને મુદ્દો બનાવીને સરકારને નિશાન બનાવીને સત્રમાંથી વૉકઆઉટ કર્યું હતું. સરકારી હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોની હાલત અત્યંત ખરાબ હોવા છતાં એમાં સુધારો કરવાનું માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું હોવાથી વિરોધ પક્ષે નારાજગી વ્યક્ત કરી હતી. આરોગ્યપ્રધાન તાનાજી સાવંતે વિધાનસભામાં આ સંબંધે જવાબ આપ્યા હતા એનાથી સંતુષ્ટ ન હોવાનું કહીને વિરોધ પક્ષના બધા વિધાનસભ્યો બહાર નીકળી ગયા હતા.

વિધાનસભાના સત્રમાં ગઈ કાલે એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડ અને બીજેપીના વિધાનસભ્ય યોગેશ સાગરે રાજ્યના આરોગ્ય વિભાગની બેદરકારી વિશે નારાજગી વ્યક્ત કરી હતી. યોગેશ સાગરે કહ્યું હતું કે ‘બુલડાણાની સરકારી હૉસ્પિટલમાં વિદ્યા ગવંડે નામની પ્રેગ્નન્ટ મહિલાને લાવવામાં આવી હતી. મહિલાના પેટમાં બાળકનું મૃત્યુ થયું હોવાનું ડૉક્ટરોએ જાહેર કર્યું હોવા છતાં તેને લાંબા સમય સુધી હૉસ્પિટલમાં રાખવામાં આવી હતી અને બાદમાં અકોલાની હૉસ્પિટલમાં લઈ જવાનું કહેવાયું હતું, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી આરોગ્ય વિભાગમાં ખૂબ જ બેદરકારીથી કામ થઈ રહ્યું હોવાનું જણાય છે.’

વિધાનસભ્ય સંજય ગાયકવાડે કહ્યું હતું કે ‘આવી રીતે મૃત્યુ થવાના મામલાની તપાસ જેમને સોંપવામાં આવી હતી એ જ આરોગ્ય અધિકારી આ ઘટના માટે જવાબદાર છે. આવી રીતે કામ ચલાવવાથી આરોગ્યની સેવામાં ક્યારેય સુધારો નહીં થાય.’

એકનાથ શિંદે જૂથના આરોગ્યપ્રધાન તાનાજી સાવંતે કહ્યું હતું કે ‘ત્રણ મહિલાનાં મૃત્યુના કેસની તપાસ ઍડિશનલ ચીફ સેક્રેટરી દ્વારા કરવામાં આવશે. ૧૫ દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવામાં આવશે.’

જોકે સત્તાધારી અને વિરોધ પક્ષોના વિધાનસભ્યોએ તાનાજી સાવંતના જવાબથી સંતોષ ન હોવાનું કહ્યું હતું. વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘આરોગ્ય મંત્રાલયનું આવી રીતનું કામકાજ ચલાવી ન લેવાય. લોકો મરી રહ્યા છે, પણ સરકાર આ બાબતમાં કોઈ ગંભીરતા નથી બતાવી રહી. અમે આની નિંદા કરીએ છીએ.’

આટલું કહીને વિરોધ પક્ષના નેતાઓએ વિધાનભવનમાંથી વૉકઆઉટ કર્યું હતું. બાદમાં વિજય વડેટ્ટીવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે તપાસ કમિટી નીમવાનું કહ્યું હતું એના પરથી તેઓ પ્રધાનોને છાવરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. માત્ર તપાસ કમિટી બનાવવાથી કંઈ નહીં થાય. આવા મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીને સંબંધિતો સામે કાર્યવાહી કરીને દંડિત કરવા જોઈએ.’

સરકારે ધારાવીની ઇન્ડસ્ટ્રીને બચાવવી જોઈએ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકાર ધારાવીના રીડેવલપમેન્ટનું કામ અદાણી કંપનીને સોંપીને તેમની ફેવર કરી રહી છે અને ધારાવીમાં ચાલી રહેલી સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે કંઈ નથી કરી રહી એ વિશે મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષા અને ધારાવીનાં વિધાનસભ્ય વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે ‘ધારાવીને અને એના નાના ઉદ્યોગોને બચાવવા જોઈએ. ધારાવીની સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું વાર્ષિક ટર્નઓવર ૧૦૦ કરોડ રૂપિયાનું છે. અહીં દવા કંપની, લેધર વર્ક, ફુટવેર અને ગાર્મેન્ટ્સ સહિતની અનેક ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે. રીડેવલપમેન્ટના ટેન્ડરમાં નોંધવામાં આવ્યું છે કે ધારાવીના લોકોને ૧૦ કિલોમીટર દૂર શિફ્ટ કરવામાં આવશે. આમ કરવાથી આ ઇન્ડસ્ટ્રી ખતમ થઈ જશે. આ ટીડીઆરનું મોટું કૌભાંડ છે.’

વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે ‘સરકારે અદાણીને ધારાવી ભેટમાં આપી દીધી છે, પણ અહીંના લોકો માટે કોઈ વિચાર કરવામાં નથી આવ્યો. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અદાણીના ધારાવીના પ્રોજેક્ટના ટેન્ડરના ઍગ્રીમેન્ટમાં સહી કરી છે. અમને શંકા છે કે ધારાવીના ૭૦,૦૦૦ લોકોને ઘર મળશે કે નહીં? આવી જ રીતે ટીડીઆર પણ અદાણી ગ્રુપની કંપનીઓને આપવામાં આવી રહી છે.’

પુણે લોકસભાની તાત્કાલિક પેટાચૂંટણી યોજો

બીજેપીના પુણેના સાંસદ ગિરીશ બાપટનું આ વર્ષે ૨૯ માર્ચે અવસાન થયા બાદ પુણે લોકસભા બેઠક ખાલી છે. આમ છતાં કેન્દ્રીય ચૂંટણી પંચે કોઈ યોગ્ય કારણ વિના આ પેટાચૂંટણીનું આયોજન નથી કર્યું. એ વિશે નારાજગી વ્યક્ત કરતાં બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે ચૂંટણી પંચને સવાલ કર્યો હતો કે ૧૦ મહિના બાદ પણ તેમણે કેમ કંઈ નથી કર્યું. આથી તાત્કાલિક પેટાચૂંટણી યોજો એવો નિર્દેશ આપ્યો હતો.

પુણે લોકસભાની પેટાચૂંટણી કરવાથી નવા સાંસદને માત્ર ત્રણ-ચાર મહિના જ મળશે અને આ પેટાચૂંટણીથી આગામી લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચના કર્મચારી કામ કરી રહ્યા છે એના પર અસર થશે એમ કહ્યા બાદ કેન્દ્ર સરકાર તેમના આ મત સાથે સંમત થતાં પેટાચૂંટણી ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ચૂંટણી પંચે કહ્યું હતું. ચૂંટણી પંચનો આ નિર્ણય અયોગ્ય અને ગેરકાયદે છે એમ કહીને પુણે લોકસભા મતદારસંઘના મતદાર સુઘોષ જોશીએ બૉમ્બે હાઈ કોર્ટમાં આ સંબંધે અરજી દાખલ કરી હતી. એની સુનાવણીમાં હાઈ કોર્ટે ગઈ કાલે ચૂંટણી પંચને તાત્કાલિક પુણે લોકસભાની ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો હતો.

પીએચડી કરવાથી યુવાનો શું મેળવશે? : અજિત પવાર

કૉન્ગ્રેસના વિધાનસભ્ય સતેજ પાટીલે વિધાન પરિષદમાં કહ્યું હતું કે ‘સારથિના માધ્યમથી વિદ્યાર્થીઓને પીએચડી કરવા માટે ફેલોશિપ આપવામાં આવ છે, પરંતુ માત્ર ૨૦૦ વિદ્યાર્થીઓને જ સુવિધા મળશે એવો નિર્ણય સરકારે લીધો છે. આ સંખ્યા વધારવી જોઈએ.’ સતેજ પાટીલની માગણી સાંભળીને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ‘પીચએડી કરીને યુવાનો શું મેળવશે? ફેલોશિપ લઈને તેઓ શું કરશે? અમે આના પર વિચાર કરીશું, પણ તમારી માગણી માન્ય કરાશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. મને એવું લાગે છે કે આ વિદ્યાર્થીઓએ ફેલોશિપને બદલે એમપીએસસીની સાથે આઇએેસ, આઇપીએસ, આઇઆરએસ, આઇએફએલએસ સહિતની પરીક્ષા આપવા માટે પ્રયાસ કરવો જોઈએ. આ વખતે એમપીએસ, યુપીએસમાં આપણા યુવાનોએ સારી સફળતા મેળવી છે. આ પરીક્ષા પર વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. છત્રપતિ સંભાજીનગર, લાતુર, નાગપુર, અમરાવતી, કોલ્હાપુર, ખારઘર (નવી મુંબઈ) અને નાશિકમાં સારથિ કેન્દ્ર ઊભાં કરવામાં આવશે.’

nagpur maharashtra news shiv sena bharatiya janata party nationalist congress party mumbai mumbai news