17 November, 2024 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૌલાના ખલીલ-ઉર-રહમાન સજ્જાદ નોમાની, કિરીટ સોમૈયા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીના શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, રાહુલ ગાંધી અને નાના પટોલેને સમર્થન આપવાની સાથે મહારાષ્ટ્ર બાદ દિલ્હીની સરકારને પાડવાનું નિશાન છે એવું કહેતો વિડિયો ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રવક્તા મૌલાના ખલીલ-ઉર-રહમાન સજ્જાદ નોમાનીએ રજૂ કર્યો હતો. આ વિડિયો ઉપરાંત મૌલાના સજ્જાદ નોમાનીનો પરભણીનો એક વિડિયો પણ વાઇરલ થયો છે, જેમાં તેઓ લોકસભાની ચૂંટણીમાં BJPને મતદાન કરનારા મુસ્લિમોનો સામાજિક બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.
આ વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કેન્દ્રીય ઇલેક્શન કમિશનર રાજીવ કુમારને પત્ર લખીને મૌલાના સામે હેટ-સ્પીચનો કેસ નોંધીને કાર્યવાહી કરવાની માગણી કરતો પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
કિરીટ સોમૈયાએ પત્રમાં લખ્યું છે કે ‘મૌલાનાએ વિડિયોના માધ્યમથી ધાર્મિક કટ્ટરતા વ્યક્ત કરીને મુસ્લિમોને ભડકાવ્યા છે અને BJPને મતદાન કરનારા મુસ્લિમોનો સામાજિક બહિષ્કાર કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. BJPને મત આપનારા મુસ્લિમોએ ગુલામી સ્વીકારીને પોતાનું નામ ઘનશ્યામ દાસ કરવું જોઈએ એવું સૂચન પણ મૌલાનાએ કર્યું છે. આ વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ એક હેટ-સ્પીચ છે અને એક પ્રકારે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ છે. આથી મૌલાના સજ્જાદ નોમાની સામે ફરિયાદ નોંધીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.’
વિધાનસભાની ચૂંટણીમાં વોટ જેહાદ કરવા માટે માલેગાંવમાં ૧૨૫ કરોડ રૂપિયાનાં બેનામી ટ્રાન્ઝૅક્શન કરવામાં આવ્યા હોવાનો આરોપ કિરીટ સોમૈયાએ ૧૧ નવેમ્બરે કર્યો હતો અને કેટલાક પુરાવા પણ રજૂ કર્યા હતા. ચાર દિવસમાં આટલી મોટી રકમનાં ટ્રાન્ઝૅક્શન કરવામાં આવ્યાં હોવાના આરોપ બાદ મૌલાના સજ્જાદ નોમાનીએ મહા વિકાસ આઘાડીને સમર્થન કરતો વિડિયો રજૂ કર્યો છે, એ બન્નેમાં કોઈ લિન્ક છે એટલે ચૂંટણીપંચે આ મામલે તપાસ કરવી જોઈએ એવી માગણી કિરીટ સોમૈયાએ કરી છે.