28 October, 2024 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
ભારતીય જનતા પાર્ટી (BJP)એ હજી તમામ ઉમેદવારોનાં નામ જાહેર નથી કર્યાં અને જેટલા ઉમેદવારોનાં નામ અનાઉન્સ કર્યાં છે એમાંથી અમુક વિધાનસભ્યોનાં નામ કાપીને તેમની જગ્યાએ બીજાને ટિકિટ આપી હોવાથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટી કઈ રીતે કૅન્ડિડેટનું સિલેક્શન કરે છે એ વિશે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પહેલી વાર ફોડ પાડ્યો હતો.
આ બાબતે તેમણે એક ન્યુઝ ચૅનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘આ વખતે અમે નવી પદ્ધતિ અજમાવી છે જેમાં ત્રણ-ચાર પૅરામીટર્સની સ્ટડી કરીને હાલના જે વિધાનસભ્યો છે તેમનું ઍન્ટિ-ઇન્કમ્બન્સી મીટર તૈયાર કર્યું છે. આ મીટરમાં જે વિધાનસભ્યોનો ૫૦ ટકાથી ઓછો સ્કોર આવ્યો છે તેમને ટિકિટ નહીં આપવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં જે વિધાનસભ્યોનો સ્કોર ૫૦ ટકાની ઉપર હતો એ બધાને અમે ઉમેદવારી આપી છે. જે લોકોનો સ્કોર ઓછો હતો તેમની જગ્યાએ બીજાને ઉમેદવારી આપી છે.’ અત્યારે મુંબઈમાં BJPએ બોરીવલીના વિધાનસભ્ય સુનીલ રાણે, ઘાટકોપર-પૂર્વના પરાગ શાહ અને વર્સોવાનાં ભારતી લવેકરને વેઇટિંગ પર રાખ્યાં છે. BJPએ અત્યાર સુધી ૧૨૧ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.
ચૂંટણી પછી જરૂર પડી તો BJP શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેમાંથી કોની મદદ લેશે?- આ પ્રશ્નના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
વિધાનસભાની ચૂંટણી માટે હજી ઉમેદવારોનાં નામ જાહેર કરવાને લઈને તમામ પાર્ટીઓ વચ્ચે રસ્સીખેંચ ચાલી રહી છે ત્યારે રાજ્યમાં નવાં સમીકરણોની પણ ચર્ચા થવા લાગી છે. એવામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જ્યારે પૂછવામાં આવ્યું કે ચૂંટણી બાદ જો જરૂર પડશે તો તેઓ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેમાંથી કોનો સપોર્ટ લેવાનું પસંદ કરશે? આ પ્રશ્નનો સીધો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું, પણ કહ્યું હતું કે ચૂંટણી બાદ અમે એકનાથ શિંદે, અજિત પવાર અને રામદાસ આઠવલેની જ મદદ લઈશું અને આ લોકોની મદદથી જ મહાયુતિની સરકાર બની જશે.