20 October, 2024 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મહાયુતિમાં મુંબઈની બેઠકોની સમજૂતી ફાઇનલ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈની ૩૬ વિધાનસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)ને ૧૮, શિવસેનાને ૧૫ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) ૩ બેઠક ફાળવવામાં આવી હોવાનું કહેવાય છે. આથી મહાયુતિમાં મુંબઈમાં BJP જ મોટા ભાઈ હોવાનું જણાઈ આવ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી અને ચૂંટાઈ આવવાની ક્ષમતાને આધારે જ બેઠકોની વહેંચણી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજું, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના મુંબઈમાં જૂજ વિધાનસભ્યો હોવા છતાં તેમને ૧૫ બેઠક ફાળવવામાં આવી છે એટલે તેમને પણ વધુ બેઠકો મેળવવામાં સફળતા મળી છે.
વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિમાં સામેલ BJP, NCP અને શિવસેના રાજ્યની ૨૮૮ બેઠકમાંથી કેટલી વિધાનસભા લડશે એનો નિર્ણય હજી સુધી ફાઇનલ નથી થયો; પણ મુંબઈની ૩૬ બેઠકોની સમૂજતી પહેલાં કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો મુજબ ગુરુવારે અને શુક્રવારે દિલ્હીમાં સત્તાધારી મહાયુતિના ત્રણેય પક્ષના વરિષ્ઠ નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે. પી. નડ્ડા સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી એમાં સૌથી પહેલાં મુંબઈના રાજકીય ગણિતની ચર્ચા કરવામાં આવ્યા બાદ બેઠકોની સમજૂતીનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
અજિત પવારની મુંબઈમાં ખાસ તાકાત નથી એટલે તેમની પાર્ટીને મુંબઈમાં અણુશક્તિનગર, બાંદરા-ઈસ્ટ અને શિવાજીનગર-માનખુર્દ વિધાનસભા બેઠક ફાળવવામાં આવી છે. આ ત્રણેય વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ અને દલિત વધુ મતદાર છે એને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.