28 October, 2024 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુરજી પટેલ
શિવસેનાએ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. એમાં અંધેરી-ઈસ્ટમાં વર્ષોથી એ વિસ્તારમાં કાર્યરત અને ભારતીય જનતા પાર્ટીના નગરસેવક રહી ચૂકેલા મુરજી કાનજી પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે. શિવસેનાએ આમ પહેલા ગુજરાતી ઉમેદવારને ટિકિટ આપી હતી. જોકે આ બેઠક માટે આ પહેલાં એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માનાં પત્ની સ્વિક્રિતી શર્માનું નામ ચર્ચાઈ રહ્યું હતું. હવે સ્વિક્રિતી શર્મા અપક્ષ તરીકે ઝુકાવશે એવી ચર્ચા ચાલી રહી છે. મુંબઈની બીજી મહત્ત્વની વરલી બેઠક પરથી શિવસેનાએ મિલિંદ દેવરાને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે–UBT)ના આદિત્ય ઠાકરે સામે ઉતાર્યા છે. દિંડોશીમાં સંજય નિરુપમને અને કુડાળની બેઠક પરથી નીલેશ નારાયણ રાણેને ઉમેદવારી આપવામાં આવી છે. પાલઘરમાં રાજેન્દ્ર ગાવિતને ટિકિટ આપી છે.
શિવસેનાએ એની પહેલી યાદીમાં ૪૫ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં અને હવે બીજી યાદીમાં ૨૦ ઉમેદવારોનાં નામ જાહેર કરતાં અત્યાર સુધી કુલ ૬૫ ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે.