01 November, 2024 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસના નેતા રવિ રાજાએ ગઈ કાલે BJPમાં પ્રવેશ કર્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થાય એ પહેલાં મુંબઈમાં કૉન્ગ્રેસને ફટકો પડ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં સાયન વિસ્તારમાંથી પાંચ વખત ચૂંટાઈ આવેલા કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રવિ રાજાએ ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)માં પ્રવેશ કર્યો હતો. કૉન્ગ્રેસે સાયન-કોલીવાડા વિધાનસભા બેઠક પર ઉમેદવારી ન આપવાથી નારાજ રવિ રાજાએ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. રવિ રાજાના પ્રવેશથી BJPને મુંબઈમાં સાયન-કોલીવાડા સહિત કેટલીક બેઠક પર ફાયદો થવાની શક્યતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે વ્યક્ત કરી હતી.
BJPએ ગઈ કાલે મુંબઈની નરીમાન પૉઇન્ટમાં આવેલી ઑફિસમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારની પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી હતી. અટકળ હતી કે તેઓ નવાબ મલિકની ઉમેદવારી વિશે કોઈ મહત્ત્વની જાહેરાત કરશે. જોકે આ વિષય પર તેમણે કંઈ નહોતું કહ્યું અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રવિ રાજાનો પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો.
દિવાળી પછી ફટાકડા ફૂટશે - દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જનતામાં વિશ્વાસ છે કે ફરી મહાયુતિની સરકાર આવશે. આથી પક્ષપ્રવેશની આ તો હજી શરૂઆત છે. દિવાળી બાદ ફટાકડા ફૂટશે. કૉન્ગ્રેસ સહિતના પક્ષના અનેક નેતા અમારા સંપર્કમાં છે. અત્યારે તેમનાં નામ જાહેર નહીં કરું, પણ ટૂંક સમયમાં તેઓ અમારી સાથે આવશે.’