04 November, 2024 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સદા સરવણકર
માહિમ વિધાનસભાની બેઠક પર પહેલી વખત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને ઉતારવામાં આવ્યો છે. સત્તાધારી મહાયુતિએ માહિમ બેઠક પર અત્યારના એકનાથ શિંદેની શિવસેનાના વિધાનસભ્ય સદા સરવણકરને ફરી ઉમેદવારી આપી છે. મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP)એ જોકે બાદમાં અમિત ઠાકરેને સમર્થન આપીને સદા સરવણકરને ઉમેદવારી પાછી ખેંચવાની વિનંતી કરી છે. આ બાબતે મહાયુતિના વરિષ્ઠ નેતાઓની બેઠક પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સદા સરવણકરે ઉમેદવારી પાછી ખેંચવા વિશે ગઈ કાલે કહ્યું હતું કે ‘એકનાથ શિંદે ફરી મુખ્ય પ્રધાન બને એવી સામાન્ય લોકોની ઇચ્છા છે. MNSએ મહાયુતિના તમામ ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. આથી એ પહેલાં મહાયુતિના ઉમેદવારો સામેના તમામ ઉમેદવારોનાં નામ MNS પાછાં લે. એ પછી હું અમારા પક્ષના હિત માટે માહિમ બેઠકનો ત્યાગ કરવા તૈયાર છું.’
સદા સરવણકરે ઉમેદવારી પાછી ખેંચવા માટે શરત મૂકી છે તો બીજી તરફ BJPના પ્રસાદ લાડ સહિતના નેતાઓએ ગઈ કાલે ફરી એક વખત કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં તેઓ અમિત ઠાકરે માટે પ્રચાર કરશે.
મતદાન માટે મૉલમાં જાગૃતિ અભિયાન
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર બે જ અઠવાડિયાં બાકી છે ત્યારે રાજ્યના ચૂંટણીપંચ દ્વારા વિવિધ પ્રકારે મતદાન જાગૃતિ કરવા માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા મૉલમાં જાય છે એને ધ્યાનમાં રાખીને ગઈ કાલે કુર્લામાં આવેલા ફીનિક્સ માર્કેટ મૉલમાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. એમાં લોકોને ૨૦ નવેમ્બરે ચોક્કસથી મત આપવા માટેની વિનંતી કરવામાં આવી હતી.