રાજ ઠાકરેએ મળવાની ના પાડી એટલે સદા સરવણકરે ઉમેદવારી પાછી ન ખેંચી

05 November, 2024 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિત ઠાકરે સામે હવે બન્ને શિવસેનાનો પડકાર

રાજ ઠાકરેએ મળવાની ના પાડી એ પછી શિવાજી પાર્ક ખાતે મીડિયાથી ઘેરાયેલા સદા સરવણકર (તસવીરો : આશિષ રાજે)

માહિમ વિધાનસભાની બેઠક પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેનો પુત્ર અમિત ઠાકરે પહેલી વખત ચૂંટણી લડી રહ્યો છે. તેની સામે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ 
ઠાકરે-UBT)ના મહેશ સાવંતે અને આ બેઠક પર શિવસેનાના સિટિંગ વિધાનસભ્ય સદા સરવણકરે ઉમેદવારી નોંધાવી છે. શિવસેના મહાયુતિમાં સામેલ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ અહીં સદા સરવણકરને બદલે અમિત ઠાકરેને સમર્થન આપવાનું કહ્યું છે એટલું જ નહીં, સદા સરવણકરને ઉમેદવારી પાછી ખેંચવા સમજાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા. 
જોકે રવિવારે સદા સરવણકરે રાજ ઠાકરેને મળ્યા બાદ નિર્ણય લેવાનું કહ્યું હતું. ગઈ કાલે સદા સરવણકર તેમના પુત્ર સમાધાન તેમ જ પાર્ટીના ચાર પદાધિકારી સાથે રાજ ઠાકરેના શિવાજી પાર્કમાં આવેલા બંગલે મળવા માટે પહોંચ્યા હતા. રાજ ઠાકરેએ સદા સરવણકરને મળવાની ના પાડી દીધી હતી અને સમાધાન સરવણકર સહિત શિવસેનાના પદાધિકારીઓને મળ્યા હતા.
સદા સરવણકરે આ વિશે ગઈ કાલે કહ્યું હતું કે ‘મારો પુત્ર સમાધાન અને પક્ષના ચાર પદાધિકારી રાજ ઠાકરેને મળ્યા હતા. સમાધાને રાજ ઠાકરેને કહ્યું હતું કે મારા પિતા તમારી સાથે વાત કરવા માગે છે. રાજ ઠાકરેએ કહ્યું હતું કે મારે કંઈ કહેવું નથી. આમ કહીને તેમણે મને મળવાની ના પાડી દીધી હતી. હું સામાન્ય કાર્યકર છું. તેમને કેટલાંક સમીકરણ સમજાવવા માગતો હતો; પણ રાજ ઠાકરેએ તમારે ચૂંટણી લડવી હોય તો લડો, મારે કોઈ સાથે વાત નથી કરવી એવું કહ્યું હતું. આથી મેં અમિત ઠાકરે સામે ચૂંટણી લડવા કાયમ રહેવાનો નિર્ણય લીધો છે. હવે મતદારો અમારો નિર્ણય કરશે. હું મહાયુતિનો ઉમેદવાર છું એટલે મને બધા સહયોગી પક્ષોના નેતા સમર્થન આપશે.’

કેમ ન મળ્યા રાજ ઠાકરે?

તાજેતરમાં એક મરાઠી ન્યુઝ-ચૅનલમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં BJPનો મુખ્ય પ્રધાન બનશે અને નવી સરકારમાં MNSની ભૂમિકા પણ મહત્ત્વની હશે. આ વિશે સદા સરવણકરે કહ્યું હતું કે ‘જેમનો એક પણ વિધાનસભ્ય નથી તેમનું મુખ્ય પ્રધાન કોણ બનશે એમ કહેવું હાસ્યાસ્પદ છે. તેમની ટીકા કરવી જોઈએ એવું મને લાગતું નથી. મુખ્ય પ્રધાન કોણ બનશે એ મહાયુતિ નક્કી કરશે.’ સદા સરવણકરનું આ નિવેદન રાજ ઠાકરેને ખૂંચ્યું હશે એટલે તેમણે સદા સરવણકરને મળવાનું ટાળ્યું હોવાનું કહેવાય છે.

આવો પણ ચૂંટણીપ્રચાર

રાજ ઠાકરેનો દીકરો અને માહિમ વિધાનસભા બેઠકનો ઉમેદવાર અમિત ઠાકરે ગઈ કાલે પ્રચાર દરમ્યાન દરિયાકાંઠે યુવાનો સાથે ફુટબૉલ રમતો જોવા મળ્યો હતો. 

maharashtra assembly election 2024 maharashtra news assembly elections maharashtra navnirman sena raj thackeray amit thackeray mahim mumbai mumbai news