06 November, 2024 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓ ચૂંટણીમાં મતદાન કરવાને બદલે ફરવા ઊપડી જવા માટે બદનામ છે. આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બાવન ટકા અને ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૫૦.૬૭ ટકા જ મતદાન નોંધાયું હતું. ૨૦ નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યનું ચૂંટણીપંચ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સંયુક્ત રીતે પ્રયાસ કરી રહ્યાં છે. ગયા શુક્રવારે BMCના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન (FRTWA), રીટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (RAI), ઇન્ડિયન હોટેલ્સ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (AHAR), રિલાયન્સ રીટેલ અને પીવીઆર-આઇનૉક્સ સિનેમાસના પ્રતિનિધિઓ સાથે ચૂંટણીમાં વધુ લોકો મતદાન કરવા માટે ઘરોની બહાર નીકળે એ માટે ચર્ચા કરવા બેઠક યોજી હતી. આ બેઠકમાં રીટેલર્સ અને હોટેલિયરોને કહેવામાં આવ્યું હતું કે મતદાન કરનારાઓને વિવિધ પ્રકારનાં ડિસ્કાઉન્ટ આપવાની ઑફર કરવામાં આવશે તો મતદાનમાં પાંચથી દસ ટકાનો વધારો થઈ શકે છે. બેઠકમાં હાજર રહેલા મોટા ભાગના પ્રતિનિધિઓ ડિસ્કાઉન્ટ ઑફર કરવા સંમત થયા હોવાનું જાણવા મળ્યું હતું. આથી ૨૦ મેએ મતદાન કરનારા મુંબઈગરાઓને વિવિધ પ્રકારની ઑફર ઉપરાંત દુકાન, મૉલ અને હોટેલોમાં મતદાન કરવા માટે જનજાગૃતિનાં પોસ્ટરો પણ જોવા મળશે.