26 November, 2024 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્નેહા દુબે પંડિતે ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત કરી હતી.
નાલાસોપારા સ્ટેશન પર ૧૯૮૯ની ૯ ઑક્ટોબરે ઉત્તર પ્રદેશમાંથી મુંબઈ આવેલા સુરેશ દુબેની ફાયરિંગ કરીને સરેઆમ હત્યા કરવામાં આવી હતી. સુરેશ દુબેએ જયેન્દ્ર ઠાકુર ઉર્ફે ભાઈ ઠાકુરને પ્લૉટ આપવાની ના પાડતાં આ હત્યા કરવામાં આવી હોવાનું બાદમાં તપાસમાં જણાયું હતું અને કોર્ટે ભાઈ ઠાકુર સહિત તેમના સાથીઓને કેદની સજા કરી હતી. ભાઈ ઠાકુર જેલમાં ગયા બાદ તેમના નાના ભાઈ હિતેન્દ્ર ઠાકુર વસઈ-વિરાર વિસ્તારમાંથી પહેલી વખત અપક્ષ વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. હત્યાની આ ઘટનાનાં ૩૫ વર્ષ પછી સુરેશ દુબેના પુત્ર નવીન દુબેનાં પત્ની સ્નેહા દુબે પંડિતે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં હિતેન્દ્ર ઠાકુરને વસઈ બેઠક પર હરાવીને રાજકીય બદલો લીધો છે. સ્નેહા પંડિત વસઈના સ્થાનિક નેતા વિવેક પંડિતનાં પુત્રી છે. ૨૦૦૯માં વિવેક પંડિતે હિતેન્દ્ર ઠાકુરના ઉમેદવાર નારાયણ માનકરનો આ જ બેઠક પર પરાજય કર્યો હતો.