૩૧ બળવાખોરોમાંથી એક જ જીત્યો

24 November, 2024 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભાની ૨૮૮ બેઠક પર ૩૧ એવા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા જેમને તેમની પાર્ટી તરફથી ઉમેદવારી આપવામાં નહોતી આવી

ફાઇલ તસવીર

વિધાનસભાની ૨૮૮ બેઠક પર ૩૧ એવા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા જેમને તેમની પાર્ટી તરફથી ઉમેદવારી આપવામાં નહોતી આવી. એક્ઝિટ પોલે બન્ને યુતિ વચ્ચે કાંટે કી ટક્કર હોવાનું તારણ આપ્યું હોવાથી મહાયુતિ અને મહા વિકાસ આઘાડીના નેતાઓની નજર આ બળવાખોર ઉમેદવારો કેવું પ્રદર્શન કરે છે એના પર હતી, પરંતુ ગઈ કાલે પરિણામ એક્ઝિટ પોલના આંકડાથી વિપરીત જ આવ્યું હતું. આમ છતાં આ બળવાખોર ઉમેદવારોમાંથી માત્ર એક જુન્નરમાંથી ચૂંટણી લડેલા શરદદાદા સોનાવણેનો ૬૬૬૪ મતથી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના સત્યશીલ શેરકર સામે વિજય થયો હતો. શરદદાદા સોનાવણેને શિવસેનામાંથી ટિકિટ જોઈતી હતી, પણ મહાયુતિમાં આ બેઠક અજિત પવારની પાર્ટીના ફાળે ગઈ હોવાથી અતુલ બૅન્કેને ઉમેદવારી આપવામાં આવી હતી. તેઓ ત્રીજા નંબરે આવ્યા હતા. આ સિવાય બીજો એક પણ બંડખોર જીતવામાં સફળ નહોતો થયો. જોકે અમુક બેઠક પર આ બળવાખોર ઉમેદવારોએ બીજા નંબર પર આવેલા ઉમેદવારોને હરાવવામાં જરૂર ભાગ ભજવ્યો હતો. 

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections political news maharashtra news shiv sena