26 November, 2024 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ
રાજ્યની ૨૮૮ બેઠકમાંથી ઘણી બેઠકો પર જીતનું માર્જિન ઘણું ઓછું જોવા મળ્યું હતું અને આ જ કારણસર ૫૮ એવા ઉમેદવારો હતા જેમણે એક લાખ કરતાં પણ વધુ મત મેળવ્યા પછી પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
આ ઉમેદવારોમાં મુખ્યત્વે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, બાળાસાહેબ થોરાત, ધીરજ દેશમુખ, સંગ્રામ થોપ્ટે; અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સુનીલ ટિંગરે તથા ભારતીય જનતા પાર્ટી (BJP)ના રામ શિંદેનો સમાવેશ થાય છે. દરેક વિધાનસભાની બેઠક પર મોટા ભાગે સરેરાશ ૨,૮૦,૦૦૦ કે એનાથી વધારે મતદારો છે.
આવી રસાકસીભરી લડત ખાસ કરીને પુણે અને છત્રપતિ સંભાજીનગરમાં જોવા મળી હતી. શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સૌથી વધારે ૨૨ ઉમેદવારો એક લાખથી પણ વધારે મત મેળવ્યા બાદ પણ હાર્યા હતા. ત્યાર બાદ નંબર આવે છે કૉન્ગ્રેસનો. એના પણ ૧૬ કૅન્ડિડેટ એક લાખથી વધુ વોટ મેળવ્યા બાદ પણ જીતી ન શક્યા. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાત, BJPના ચાર, અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના બે અને એકનાથ શિંદેની શિવસેનાના એક ઉમેદવારનો એક લાખથી વધારે મત મળ્યા બાદ પણ પરાભવ થયો હતો.