06 November, 2024 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજુ પારવેએ ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં BJPમાં પ્રવેશ કર્યો હતો
નાગપુર જિલ્લાના રામટેક લોકસભા મતદારસંઘમાં સામેલ ઉમરેડ બેઠકના વિધાનસભ્ય રાજુ પારવેએ ગઈ કાલે ફરી ભારતીય જનતા પાર્ટી (BJP)માં પ્રવેશ કર્યો હતો. નવ મહિના પહેલાં રાજુ પારવેએ સંસદસભ્ય બનવા માટે પહેલાં કૉન્ગ્રેસ અને પછી એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. એકનાથ શિંદેએ રાજુ પારવેને રામટેક લોકસભા બેઠકની ઉમેદવારી આપી હતી, પરંતુ તેમનો કૉન્ગ્રેસના ઉમેદવાર સામે પરાજય થયો હતો. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો ફાઇનલ થઈ ગયા છે એટલે રાજુ પારવે હવે કોઈ પાર્ટીના ઉમેદવાર નથી. આથી સંસદસભ્ય બનવા માટે પક્ષાંતર કરનારા રાજુ પારવેએ વિધાનસભ્યપદ પણ ગુમાવવું પડ્યું છે. ચૂંટણી બાદ BJP રાજુ પારવેને શું જવાબદારી આપશે એ જોવું રહ્યું.
૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં BJPમાંથી ઉમેદવારી નોંધાવનારા રાજુ પારવેનો પરાજય થયો હતો. આથી રાજુ પારવેએ ૨૦૧૫માં કૉન્ગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં રાજુ પારવે વિજયી થયા હતા. જોકે લોકસભાની ચૂંટણી પહેલાં આ વર્ષે તેમણે માર્ચ મહિનામાં કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.