19 November, 2024 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રચાર સમયની તસવીર
લોકસભાની જેમ રાજ્ય વિધાનસભાની પણ હૉટેસ્ટ સીટ માનવામાં આવતી બારામતી બેઠક પર ગઈ કાલે સાંજે બીજી બધી બેઠકોની જેમ પ્રચારની પડઘમ શાંત થઈ ગઈ હતી. હવે આવતી કાલે મતદારો શું નિર્ણય લે છે એના પર બધાની નજર છે. જોકે એ પહેલાં શરદ પવારે પૌત્ર યુગેન્દ્ર પવાર માટે સભા કરી હતી અને એમાં પવાર-કુટુંબે શક્તિપ્રદર્શન કર્યું હતું.
યુગેન્દ્ર પવારની સામે બારામતીમાંથી સતત જીતતા આવતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર મેદાનમાં છે. આ બેઠક પર ગ્રામીણ મતદારો કોની સાથે રહે છે એના પર બધો દારોમદાર હોવાનું કહેવાય છે. પાંચ દસકાથી પણ વધારે સમયથી રાજનીતિ કરી રહેલા શરદ પવારે આજ સુધી ક્યારેય તેમનાં પત્ની પ્રતિભા પવારને ચૂંટણીના મેદાનમાં પ્રચાર માટે નથી ઉતાર્યાં, પણ આ વખતે યુગેન્દ્ર માટે તેઓ બારામતીમાં મતદારોના ઘરે-ઘરે ફર્યાં છે એટલું જ નહીં, ગઈ કાલની છેલ્લી સભામાં તેમણે એક પ્લૅકાર્ડ હાથમાં લીધું હતું જેમાં લખ્યું હતું, ‘જિકડં મ્હાતારં ફિરતંય, તિકડં ચાંગભલં હુતંય’ એટલે કે જ્યાં-જ્યાં વડીલ ફરે છે ત્યાં સારું જ થાય છે.
પોતાનાં કાકીને આટલાં વર્ષમાં પહેલી વાર પ્રચાર કરતાં જોઈને અજિત પવારે કહ્યું હતું કે ‘મેં બારામતી માટે શું ખોટું કર્યું છે એ મારે કાકીને પૂછવું છે. ઇલેક્શન પછી હું તેમને જરૂર પૂછીશ.’
લોકસભાની જેમ આ વખતે પણ બારામતીમાં આરપારની લડાઈ હોવાથી બન્ને પક્ષ જબરદસ્ત જોર લગાવી રહ્યા છે. એ પહેલાં મરાઠા નેતાએ કર્જત-જામખેડ બેઠક પર સ્થાનિક વિધાનસભ્ય રોહિત પવાર માટે પણ પ્રચારના છેલ્લા દિવસે સભા કરી હતી.