13 November, 2024 02:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે માત્ર અઠવાડિયું જ બાકી છે ત્યારે બન્ને શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વચ્ચે મરાઠી મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. જોકે મરાઠી મતદાર ઉપરાંત આ ત્રણેય પક્ષોએ બિનમરાઠી મતદારો પર આધાર રાખવો પડે એવી સ્થિતિ મુંબઈ સહિત રાજ્યની ૪૨ બેઠકમાં ઊભી થઈ છે. આ ૪૨ બેઠકોમાં ૧૩થી ૧૫ ટકા બિનમરાઠી મતદારો છે એટલે વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો તેમને પોતાને પક્ષે કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.
૨૦૧૧ની વસ્તીગણતરીમાં જણાઈ આવ્યું હતું કે મુંબઈ, થાણે અને પુણે સહિતના જિલ્લાઓમાં ઉત્તર ભારતના બિહાર, ઉત્તર પ્રદેશ પ્રદેશ અને રાજસ્થાન; દક્ષિણ ભારતના તામિલનાડુ, કર્ણાટક, કેરલા અને આંધ્ર પ્રદેશ તેમ જ ગુજરાતી, સિંધી અને ઈશાન તરફનાં રાજ્યોના નાગરિકની સંખ્યામાં વધારો થયો હતો.
૨૦૦૧થી ૨૦૧૧ દરમ્યાન મુંબઈમાં મરાઠી ભાષા બોલનારા ૪૫.૨૩ લાખ મતદાર હતા, જેમાં ૨.૬૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ જ સમયે હિન્દી બોલનારા મતદારોની સંખ્યામાં ૩૯.૩૫ ટકાનો વધારો થયો હતો. એટલે કે અગાઉ ૨૫.૮૨ લાખ હિન્દી ભાષા બોલનારા હતા એની સામે ૩૫.૯૮ લાખ થયા હતા. ગુજરાતી મતદારોની અગાઉ ૧૪.૨૮ લાખ હતી એમાં સહેજ વધારો થતાં ૧૪.૩૪ ટકા થઈ હતી.
મહારાષ્ટ્રમાંથી મુંબઈમાં સ્થળાંતર ઘટ્યું એક સર્વે મુજબ ૧૯૬૧માં મહારાષ્ટ્રમાંથી મુંબઈમાં સ્થળાંતર કરનારાની ટકાવારી ૪૧.૦૬ ટકા હતી, જે ૨૦૧૧માં ૩૭.૪ ટકા થઈ હતી. આની સામે ઉત્તર ભારતનાં રાજ્યોમાંથી અગાઉ ૧૨ ટકા લોકો મુંબઈ આવ્યા હતા એની ટકાવારી ૨૪ ટકા થઈ હતી.
૧૦૦માંથી ૪૩ સંસદસભ્ય બિનમરાઠી
૧૯૫૧થી ૨૦૨૪ સુધીની લોકસભાની ચૂંટણીઓમાં મુંબઈમાં ચૂંટાઈ આવેલા ૧૦૦ સંસદસભ્યમાંથી ૪૩ સંસદસભ્ય બિનમરાઠી છે જેમાં કૉન્ગ્રેસના સૌથી વધુ ૨૬, ભારતીય જનતા પાર્ટીના ૯ અને બાકીના અન્ય પક્ષોના છે.
૫૫ ટકા
મુંબઈની ભાયખલા, કોલાબા, સાયન-કોલિવાડા, અંધેરી ઈસ્ટ, ધારાવી, મુલુંડ, ભાંડુપ, ઘાટકોપર અને માનખુર્દ બેઠકમાં આટલા ટકા બિનમરાઠી મતદાર છે.
૪૦ ટકા
થાણે જિલ્લાની થાણે, કલ્યાણ, ઉલ્હાસનગર અને ભિવંડી ઈસ્ટ બેઠકમાં આટલા ટકા બિનમરાઠી મતદાર છે.
૪૫ ટકા
નવી મુંબઈની બેલાપુર, ઐરોલી અને પનવેલ બેઠકમાં આટલા ટકા બિનમરાઠી મતદાર છે.