25 October, 2024 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર, યુગેન્દ્ર પવાર
મહારાષ્ટ્રના વિરોધ પક્ષોના સંગઠન મહા વિકાસ આઘાડીમાં સામેલ શિવસેનાએ બુધવારે ૬૫ ઉમેદવારનાં નામ જાહેર કર્યા બાદ ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)એ ૪૫ ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી હતી. પવાર કુટુંબની સૌથી ચર્ચાસ્પદ બારામતી વિધાનસભા બેઠક પરથી NCPના અજિત પવાર સામે તેમના ભત્રીજા યુગેન્દ્ર પવારને ઉતારવામાં આવ્યો છે. લોકસભામાં બારામતી બેઠક પર નણંદ સુપ્રિયા સુળે અને ભાભી સુનેત્રા પવારનો મુકાબલો થયો હતો એની મહારાષ્ટ્ર જ નહીં દેશભરમાં ચર્ચા થઈ હેતી. આ લડાઈમાં સુપ્રિયા સુળે વિજયી થયાં હતાં. આવી જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં કાકા અજિત પવાર અને ભત્રીજા યુગેન્દ્ર પવારમાંથી કોણ બાજી મારે છે એની આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા રહેશે.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)એ ગઈ કાલે જાહેર કરેલા ૪૫ ઉમેદવારોમાં પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને ઇસ્લામપુર, ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને કાટોલ, ભૂતપૂર્વ આરોગ્યપ્રધાન રાજેશ ટોપેને ઘનસાવંગી, જિતેન્દ્ર આવ્હાડને કળવા-મુંબ્રા, ભારતીય જનતા પાર્ટીમાંથી NCP-શરદચંદ્ર પવાર જૂથમાં જનારા હર્ષવર્ધન પાટીલને ઇંદાપુર, રોહિત પવારને કર્જત-જામખેડ, રોહિણી ખડસેને મુક્તાઈનગર અને આર. આર. પાટીલના પુત્ર રોહિત પવારને ફરી તાસગાવ-કવઠેમહાકાળ વિધાનસભા બેઠકની ઉમેદવારી જાહેર કરવામાં આવી હતી.
ઘાટકોપર-ઈસ્ટમાં રાખી જાધવ
ગુજરાતીઓની બહોળી વસ્તી ધરાવતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગઢ ઘાટકોપર-ઈસ્ટમાં BJPએ ઉમેદવાર જાહેર નથી કર્યો, પણ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)એ ગઈ કાલે જાહેર કરેલી યાદીમાં આ બેઠક પર રાખી જાધવને ટિકિટ ફાળવી હતી. આજે મુંબઈમાં મહાયુતિના વરિષ્ઠ નેતાઓની બેઠક બાદ BJP બીજું લિસ્ટ જાહેર કરી શકે છે.