05 November, 2024 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાબ મલિક
ભારતીય જનતા પાર્ટી (BJP)એ મહાયુતિમાં સામેલ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવારને અણુશક્તિનગરના વિધાનસભ્ય નવાબ મલિકના સંબંધ દાઉદ ઇબ્રાહિમ સાથે હોવાનો આરોપ છે એટલે આ વખતની ચૂંટણીમાં તેમને ટિકિટ ન આપવાનું કહ્યું હતું. આમ છતાં છેલ્લી ઘડીએ નવાબ મલિકે માનખુર્દ-શિવાજીનગર બેઠકની ઉમેદવારી નોંધાવી હતી. નવાબ મલિકે ફૉર્મ ભર્યા બાદ પણ BJPએ તેમનું સમર્થન ન કરવાની સાથે પ્રચાર પણ નહીં કરવામાં આવે એવી જાહેરાત કરી છે. અજિત પવાર આ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરીને નિવેડો લાવવાનો પ્રયાસ કરશે એવું માનવામાં આવી રહ્યું હતું. ઉમેદવારી પાછી ખેંચવાનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો એટલે કોઈક સમાધાન થશે અને નવાબ મલિક ઉમેદવારી પાછી ખેંચશે એવી અટકળો હતો. જોકે નવાબ મલિકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે એટલે મહાયુતિમાં BJP અને NCP વચ્ચે ઘર્ષણ વધવાની શક્યતા છે.