મહા વિકાસ આઘાડીમાં ચાલી રહેલા કજિયાનો આજે આવશે અંત?

22 October, 2024 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસ અને ઉદ્ધવસેના વચ્ચે અમુક બેઠકોને લઈને ખેંચતાણ ચાલી રહી હોવાથી વચલો રસ્તો કાઢવા દિલ્હીથી હાઈ કમાન્ડે બાકીની બન્ને પાર્ટીના નેતાઓ સાથે વાત કરવાની જવાબદારી રાજ્યના પ્રમુખની જગ્યાએ વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાતને સોંપી

મહારાષ્ટ્રની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈ કાલે દિલ્હીમાં કૉન્ગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની મીટિંગ યોજાઈ હતી જેમાં કૉન્ગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના મહારાષ્ટ્ર અને દેશના સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીની મહાયુતિએ એમની વચ્ચે બેઠકોની ફાળવણી પૂરી કરી દીધી હોવાનું કહેવાય છે; પણ મહા વિકાસ આઘાડીમાં હજી પણ ખેંચતાણ ચાલુ હોવાથી હવે વધુ સમય બગાડવાને બદલે ત્રણેય પાર્ટીએ આ મુદ્દે જેમ બને એમ જલદી રસ્તો કાઢવાની કવાયત શરૂ કરી દીધી છે.

કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે અમુક બેઠકોને લઈને જોરદાર જામી હોવાથી ગયા અઠવાડિયે કૉન્ગ્રેસે એના મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલાને ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરીને નિવેડો લાવવા માતોશ્રી મોકલ્યા હતા. જોકે તેમની વચ્ચે ચર્ચા થયા બાદ પણ બન્ને પાર્ટી વચ્ચે કોઈ સમાધાન ન થતાં ગઈ કાલે શરદ પવાર મેદાનમાં ઊતર્યા હતા. એવું કહેવાય છે કે તેમણે દિલ્હીમાં કૉન્ગ્રેસ હાઈ કમાન્ડને ફોન કરીને રસ્તો કાઢવા કહ્યું હતું.

આ મુદ્દે સંજય રાઉત અને નાના પટોલેએ જાહેરમાં કરેલા વિધાન બાદ બન્ને પાર્ટી વચ્ચે તૂતૂ-મૈંમૈં વધી હતી અને ઉદ્ધવ ઠાકરેએ કહેવું પડ્યું હતું કે તૂટી જાય એટલું કોઈએ તાણવું ન જોઈએ. આ જ કારણસર ગઈ કાલે મહારાષ્ટ્રના ઇલેક્શનના મુદ્દે દિલ્હીમાં મળેલી કૉન્ગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની મીટિંગમાં બેઠકોની વહેંચણીના મુદ્દે બાકીની બન્ને પાર્ટી સાથે કૉન્ગ્રેસના રાજ્યના પ્રમુખ નાના પટોલેની જગ્યાએ વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાત ચર્ચા કરશે એવું નક્કી થયું હતું. પાર્ટીએ લીધેલા આ નિર્ણય બાદ આજે બાળાસાહેબ થોરાત શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે મળીને સીટ-શૅરિંગ ફાઇનલ કરે એવું લાગે છે. કૉન્ગ્રેસ પાર્ટીના આ નિર્ણયને નાના પટોલે માટે સેટબૅક તરીકે જોવામાં આવી રહ્યો છે.

જોકે આ પહેલાં મહા વિકાસ આઘાડીમાં ઑલ ઇઝ નૉટ વેલના સમાચારો વહેતા થયા હતા. બેઠકોની સમજૂતી થતી ન હોવાથી ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસની ગુપ્ત મુલાકાત કરી હોવાનો અને સંજય રાઉતે અમિત શાહને ફોન કર્યો હોવાનો દાવો કૉન્ગ્રેસના એક નેતાએ કર્યો હતો. જોકે બાદમાં સંજય રાઉત અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ આઘાડીમાં જ છે અને તેમણે કોઈની સાથે મુલાકાત નથી કરી કે ફોન પણ નથી કર્યો.

સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું કે મહા વિકાસ આઘાડીની ૨૧૦ બેઠકો પર સર્વસંમતિ થઈ ગઈ છે. કૉન્ગ્રેસ પોતાનું પહેલું લિસ્ટ આવતી કાલે બહાર પાડે એવી શક્યતા છે.

પૉલિટિકલ રાજી-નારાજી 

નારાયણ રાણેના પુત્ર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નીલેશ રાણેને પાર્ટીમાંથી ટિકિટ ન મળતાં આજે તેઓ એકનાથ શિંદેની શિવસેના જૉઇન કરીને તેમની પાર્ટીમાંથી ઇલેક્શન લડે એવું કહેવામાં આવી રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં નીલેશ રાણેએ BJP અને ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસ માટે જબરદસ્ત બૅટિંગ કરી છે.

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના ભત્રીજા સમીર ભુજબળને પાર્ટીએ નાંદગાંવ બેઠક પરથી ટિકિટ ન આપી હોવાથી તેઓ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ (શરદચંદ્ર પવાર)ની પાર્ટી જૉઇન કરીને ચૂંટણી લડે એવી શક્યતા છે.

BJPના નવી મુંબઈના ચીફ સંદીપ નાઈકને બેલાપુરથી પાર્ટીએ ટિકિટ ન આપતાં હવે તે અપક્ષ અથવા તો રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ (શરદચંદ્ર પવાર)ની પાર્ટીમાંથી આ બેઠક પર લડવાની તૈયારી કરી રહ્યા હોવાનું કહેવાય છે.

બેલાપુર બેઠક પરથી BJPએ ગણેશ નાઈકનાં કટ્ટર હરીફ મંદા મ્હાત્રેને ફરી એક વાર ટિકિટ આપતાં ગઈ કાલે તેઓ દેવેન્દ્ર ફડણવીસનો આભાર માનવા તેમના બંગલે પહોંચી ગયાં હતાં. આ બેઠક પર ગણેશ નાઈકે પોતાના પુત્ર સંદીપ નાઈક માટે ટિકિટ માગી હતી. પાર્ટીએ ગણેશ નાઈકને ઐરોલી બેઠક પરથી ઉમેદવારી આપી છે.

maha vikas aghadi bharatiya janata party shiv sena congress uddhav thackeray sharad pawar sanjay raut rahul gandhi maharashtra assembly election 2024 assembly elections news maharashtra mumbai news