રાજ્યસભાના સંસદસભ્યને ઉમેદવારી આપવા પાછળ મહાયુતિની શું ગણતરી છે?

28 October, 2024 06:48 AM IST  |  Mumbai | Viral Shah

આદિત્ય ઠાકરેની સામે મિલિંદ દેવરા મેદાનમાં આવ્યા એટલે વરલીની બેઠક બની વિધાનસભાના ઇલેક્શનની હૉટેસ્ટ સીટ

આદિત્ય ઠાકરે, મિલિંદ દેવરા

ઉદ્ધવ ઠાકરેના પુત્ર સામે MNSના ફાયરબ્રૅન્ડ નેતાનું આહ્‌વાન તો હતું જ, એવામાં ગઈ કાલે મિલિંદ દેવરાએ પણ ઝંપલાવતાં બાળાસાહેબના પૌત્રએ આ બેઠક પર ફરીથી જીતવા માટે લગાવવું પડશે જબરદસ્ત જોર

૨૦ નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધી બારામતીને કાકા-ભત્રીજા (અજિત પવાર વર્સસ યુગેન્દ્ર પવાર)ની લડતને લીધે હૉટ સીટ માનવામાં આવતી હતી, પણ ગઈ કાલે વરલી બેઠક પરથી ‌એકનાથ શિંદેની શિવસેનાએ મિલિંદ દેવરાનું નામ જાહેર કરતાં હવે આ સીટ ત્રિકોણીય જંગને લીધે વિધાનસભાના ઇલેક્શનની હૉટેસ્ટ બેઠક બની ગઈ છે.
વરલી બેઠક પરથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ હાલના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેને ફરી મેદાનમાં ઉતાર્યા છે અને તેમને હરાવવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ફાયરબ્રૅન્ડ પ્રવક્તા સંદીપ દેશપાંડેને ટિકિટ મળ્યા બાદ મિલિંદ દેવરા પણ ચૂંટણી લડી રહ્યા હોવાથી આ ત્રિપાંખિયો જંગ જોવા જેવો બની રહેશે એવી ગણતરી છે.

છેલ્લા થોડા સમયથી આ બેઠક પર આદિત્ય ઠાકરેને ટફ ફાઇટ આપવા માટે મજબૂત ઉમેદવાર આપવામાં આવશે એવી વાતો ચાલી રહી હતી. એમાં જ MNSએ સંદીપ દેશપાંડેને મેદાનમાં ઉતારતાં અમુક લોકોનું એવું માનવું હતું કે મહાયુતિના ત્રણેય પક્ષ MNSના ઉમેદવારને સપોર્ટ કરશે અને પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે. જોકે મહાયુતિના જ અમુક નેતાઓએ આ સ્ટ્રૅટેજીનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું છે કે ‘જો આદિત્ય ઠાકરેની સામે મહાયુતિ ઉમેદવાર નહીં આપે તો આ વાતનું ખોટું અર્થઘટન કરીને ઉદ્ધવ સેના તરફથી દુષ્પ્રચાર થઈ શકે છે કે ત્રણેય પાર્ટીને આદિત્ય સામે કોઈ ઉમેદવાર જ ન મળ્યો. એને લીધે MNSના ઉમેદવારને સપોર્ટ આપવાનો પ્લાન પડતો મૂકવામાં આવ્યો હતો.’

આ જ કારણસર શરૂઆતમાં BJP તરફથી શાઇના એન. સી.ને લડાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પણ આ બેઠક શિવસેનાની હોવાથી એકનાથ શિંદેએ એનો વિરોધ કર્યો હોવાનું કહેવાય છે. જોકે એકનાથ શિંદે આ બેઠકને પ્રતિષ્ઠાનો જંગ બનાવવા માગતા હોવાથી તેમણે મિલિંદ દેવરાની પસંદગી કરી હતી. જોકે સૂત્રોએ કહ્યું હતું કે ‘શરૂઆતમાં તેમણે વિધાનપરિષદના સભ્ય અને આદિત્ય ઠાકરે માટે ૨૦૧૯માં વરલી બેઠક ખાલી કરીને આપનારા સુનીલ શિંદેને પોતાની બાજુમાં કરીને ઉમેદવારી આપવાનો વિચાર કર્યો હતો, કારણ કે સુનીલ શિંદેની હજી પણ વરલી બેઠક પર જબરદસ્ત પકડ છે અને આદિત્ય ઠાકરેની ૨૦૧૯ની જીતમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે એ શક્ય થાય એમ ન હોવાથી એકનાથ શિંદેની શિવસેનાએ મિલિંદ દેવરાને આદિત્ય સામે લડાવવાનું નક્કી કર્યું હતું.’

રાજ્યસભાના સંસદસભ્ય મિલિંદ દેવરાને ઉમેદવારી આપવાનું કારણ સમજાવતાં રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ‘દક્ષિણ મુંબઈના સંસદસભ્ય રહી ચૂક્યા હોવાના નાતે આ વિસ્તારના લોકો તેમનાથી પરિચિત છે. જોકે મુખ્ય કારણ આદિત્ય ઠાકરેએ પોતાની જે ઇમેજ બનાવી છે એને ટક્કર આપવા માટે મિલિંદ દેવરાને સિલેક્ટ કરવામાં આવ્યા હોવા જોઈએ. આ‌દિત્યની ઇમેજ એજ્યુકેટેડ અને દરેક ટૉપિક પર સારું બોલનારા નેતાની છે. આ જ કારણસર તેઓ વારંવાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જાહેરમાં ડિબેટ કરવા માટે લલકારતા હોય છે. આદિત્યની આ ઇમેજને મિલિંદ દેવરા આરામથી કાઉન્ટર શકે છે, કારણ કે તેઓ પણ એજ્યુકેટેડ, અનુભવી અને દરેક ટૉપિક પર ચર્ચા કરી શકે એમ છે. જો હવે આદિત્ય ઠાકરે એકનાથ શિંદેને આહવાન આપશે તો પહેલાં તેને મિલિંદ દેવરા સાથે ડિબેટ કરવાનું કહીને શિંદેસેના નવો નેરેટિવ સેટ કરવાની કોશિશ કરે એવી ગણતરી આની પાછળ હોય એવું લાગે છે.’

જોકે બીજા એક પૉલિટિકલ ઍનલિસ્ટનું એવું માનવું છે કે ‘MNS બાદ મહાયુતિએ પણ મજબૂત ઉમેદવાર આપીને આદિત્ય ઠાકરેને આખા રાજ્યમાં ચૂંટણીપ્રચાર કરવા દેવાને બદલે પોતાની સીટમાં જ બિઝી રાખવાની સ્ટ્રૅટેજી હોય એવું લાગે છે. આમ પણ ઉદ્ધવ ઠાકરેની હજી ગયા અઠવાડિયે જ ઍન્જિયોપ્લાસ્ટી થઈ હોવાથી તેઓ આખા રાજ્યમાં પ્રચાર કરવા કે જશે કે નહીં એને લઈને હજી કોઈ સ્પષ્ટતા નથી ત્યારે આદિત્ય પર જ આખા રાજ્યના ચૂંટણીપ્રચારની જવાબદારી છે. એવામાં મહાયુતિની આ સ્ટ્રૅટેજી માસ્ટરસ્ટ્રોક બની શકે છે.’ વરલી બેઠક પર રાજ ઠાકરેને માનનારો વર્ગ પણ હોવાથી ત્રિકોણીય જંગ રસપ્રદ રહેશે એમાં કોઈ શંકા નથી.

mumbai news mumbai aaditya thackeray uddhav thackeray worli bharatiya janata party shiv sena maharashtra navnirman sena political news maharashtra assembly election 2024 assembly elections