બે દિવસમાં મહાયુતિમાં બેઠકોની ફૉર્મ્યુલા ફાઇનલ થશે?

20 September, 2024 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણેય સત્તાધારી પક્ષના નેતાઓનો નાગપુરમાં બેઠકોનો સિલસિલો ચાલુ : ૨૩ સપ્ટેમ્બરે અમિત શાહ વિદર્ભની મુલાકાતે આવે એ પહેલાં બેઠકોની સમજૂતી થઈ જશે એવી ચર્ચા

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ટોચના ત્રણેય નેતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચે ગઈ કાલે નાગપુરમાં ઉપરાઉપરી બેઠકો થઈ હતી. એમાં વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની સમજૂતી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ગઈ કાલે છેલ્લી બેઠક મુખ્ય પ્રધાનના નાગપુરના સરકારી બંગલા રામગિરિમાં યોજાઈ હતી, જેમાં આગામી બે દિવસમાં મહાયુતિમાં બેઠકોની ફૉર્મ્યુલા ફાઇનલ કરવામાં આવશે એવી ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ BJPએ મહારાષ્ટ્રની ૨૮૮ વિધાનસભા બેઠકમાંથી ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં BJPએ ૧૬૪ બેઠક પર ચૂંટણી લડી હતી એટલે એ મુજબ આ વખતે પણ આટલી જ બેઠક લડવા મક્કમતા દાખવી છે. ત્રણેય પક્ષો વચ્ચે ૮૦ ટકા બેઠકોની સમજૂતી થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. ૨૩ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિદર્ભની મુલાકાતે આવવાના છે એ પહેલાં બેઠકોની સમજૂતી કરી લેવામાં આવે એ જરૂરી હોવાથી આગામી બે દિવસમાં ફાઇનલ ફૉર્મ્યુલા નક્કી કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે.

maharashtra assembly election 2024 maha vikas aghadi bharatiya janata party nationalist congress party shiv sena maharashtra news maharashtra mumbai mumbai news