24 October, 2024 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મહા વિકાસ આઘાડીની પ્રેસ-કૉન્ફરન્સમાં ત્રણેય પક્ષના નેતાઓ.
સત્તાધારી મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ ૨૮૮માંથી ૧૮૨ બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા બાદ ગઈ કાલે સાંજે મહા વિકાસ આઘાડીએ પણ બેઠકોની સમજૂતી કરી લેવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. મોડી સાંજે આયોજિત કરવામાં આવેલી પ્રેસ-કૉન્ફરન્સમાં કૉન્ગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે- UBT) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ને સરખે ભાગે ૮૫-૮૫-૮૫ બેઠકો ફાળવવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું; બાકીની ૩૩ બેઠકોમાં સમાજવાદી પાર્ટી, શેતકરી કામગાર પક્ષ જેવી સહયોગી પાર્ટીઓનો સમાવેશ કરવામાં આવશે.
ત્રણેય પાર્ટીઓના બે-બે નેતાઓની હાજરીમાં સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ બોલાવવામાં આવી હતી. આ સમયે સંજય રાઉતે જાહેર કર્યું હતું કે મહા વિકાસ આઘાડીમાં વિધાનસભાની ચૂંટણી માટેની બેઠકોની સમજૂતી પૂરી થઈ છે. અત્યાર સુધી ત્રણેય પક્ષોની મળીને ૨૫૫ બેઠક સહિત બીજી ૧૫ બેઠકો મહા વિકાસ આઘાડીના સાથી પક્ષો માટે અનામત રાખીને ૨૭૦ બેઠકોની સમજૂતી ફાઇનલ થઈ ગઈ છે. બાકીની ૧૮ વિધાનસભા બેઠકોની જાહેરાત સહમતી થઈ ગયા બાદ કરવામાં આવશે.
શિવસેના (UBT)એ જાહેર કર્યું ૬૫ બેઠકના ઉમેદવારનું પહેલું લિસ્ટ
મહા વિકાસ આઘાડીમાં સમજૂતી થયા બાદ ગઈ કાલે સાંજે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે- UBT) દ્વારા ઉમેદવારની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં મુંબઈ, થાણે સહિત રાજ્યભરની ૬૫ બેઠકના ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં.
વરલીમાંથી આદિત્ય ઠાકરે, માહિમથી મહેશ સાવંત, બાંદરા-ઈસ્ટથી વરુણ સરદેસાઈ, કાલિનાથી સંજય પોતનીસ, કુર્લાથી પ્રવીણા મોરજકર, ચેમ્બુરથી પ્રકાશ ફાતર્પેકર, અંધેરી-ઈસ્ટથી ઋતુજા લટકે, ગોરેગામથી સમીર દેસાઈ, દિંડોશીથી સુનીલ પ્રભુ, જોગેશ્વરી-ઈસ્ટથી અનંત (બાળા) નર, ભાંડુપ-વેસ્ટથી રમેશ કોરગાવકર, વિક્રોલીથી સુનીલ રાઉત, માગાઠાણેથી ઉદેશ પાટેકર, ઐરોલીથી એમ. કે. મઢવી, થાણેથી રાજન વિચારે, કલ્યાણ ગ્રામીણથી સુભાષ ભોઇર અને ડોમ્બિવલીથી દીપેશ મ્હાત્રેને ઉમેદવારી આપવામાં આવી છે.
દહિસર પેન્ડિંગ
શિવસેના (UBT)એ ગઈ કાલે જાહેર કરેલી ૬૫ વિધાનસભાની બેઠકના ઉમેદવારોમાં દહિસર બેઠકનો સમાવેશ નહોતો. મહાયુતિમાંથી દહિસર બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનાં વિધાનસભ્ય મનીષા ચૌધરીને રિપીટ કરવામાં આવ્યાં છે. મહા વિકાસ આઘાડીમાં આ બેઠક શિવેસના (UBT)ને ફાળે જવાની શક્યતા છે અને અહીંથી એ ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરને ઉમેદવારી આપશે એવી ચર્ચા છે.