રાજ્યમાં બેઠકોની ફાળવણીને લઈને મહાયુતિ અને મહા વિકાસ આઘાડીમાં ચાલી રહી છે ભાંજગડ

19 October, 2024 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસ અને ઉદ્ધવ સેનાના નેતાઓ જાહેરમાં બાખડી પડ્યા, તો મહાયુતિના ત્રણેય નેતા અમિત શાહના શરણે પહોંચ્યા

અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર અને એકનાથ શિંદે

૨૦ નવેમ્બરે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી તમામ પાર્ટીઓએ વધુમાં વધુ બેઠકો પર ઇલેક્શન લડવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે મહા વિકાસ આઘાડી અને મહાયુતિના પક્ષોમાં હજી સુધી કોણ કેટલી બેઠકો લડશે એને લઈને સહમતી બની નથી.

ગઈ કાલે એના માટે જ ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની મહાયુતિના ત્રણેય નેતા BJPના નેતા અને દેશના ગૃહપ્રધાન અમિત શાહને મળવા ગયા હતા. તેમની સાથે મીટિંગ કર્યા બાદ બેઠકોની વહેંચણીને લઈને ત્રણેય પક્ષોમાં સમાધાન થઈ જશે એવી આશા રાખવામાં આવી રહી છે.

બીજી બાજુ કૉન્ગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની મહા વિકાસ આઘાડીમાં બધું બરાબર હોય એવું નથી લાગી રહ્યું. આ જ કારણસર કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નેતાઓ બેઠક-વહેંચણીને લઈને જાહેરમાં ઝઘડતા જોવા મળ્યા હતા. આ મગજમારી એટલી વધી ગઈ છે કે ઉદ્ધવ ઠાકરેએ એવું કહેવું પડ્યું હતું કે એટલું બધું પણ નહીં તાણો કે વાત તૂટી જાય.

ગઈ કાલે સંજય રાઉતે કહ્યું હતું કે રાજ્ય કૉન્ગ્રેસનો એક પણ નેતા બેઠક-વહેંચણીના મુદ્દે નિર્ણય લેવા માટે સક્ષમ ન હોવાથી અમારે દિલ્હી વાત કરવી પડે છે. આની સામે રાજ્ય કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું હતું કે ‘મલ્લિકાર્જુન ખડગેજી અને રાહુલ ગાંધીએ જ અમારી નિમણૂક કરી છે. મને લાગે છે કે સંજય રાઉત કદાચ ઉદ્ધવ ઠાકરેજી કરતાં મોટા નેતા છે. તેમને ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવાની જરૂર નહીં લાગતી હોય, પણ અમારા પક્ષમાં એક પ્રોટોકૉલ છે. અમારા પક્ષપ્રમુખ દિલ્હીમાં છે અને અમારે તેમને તમામ નિર્ણયોની માહિતી આપવી પડે છે.’ તેમના આ સ્ટેટમેન્ટ બાદ પત્રકારોએ જ્યારે ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘એક પક્ષ કરતાં વધારે પક્ષ જ્યારે ભેગા મળીને ચૂંટણી લડતા હોય ત્યારે બેઠકોની ફાળવણીના મુદ્દે થોડી ખેંચતાણ થાય, પણ એને તૂટી જાય ત્યાં સુધી તાણવી ન જોઈએ એનું બધા પક્ષોએ ધ્યાન રાખવું જોઈએ.’

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections shiv sena maha vikas aghadi nationalist congress party bharatiya janata party amit shah