મારા ભવિષ્ય માટે મતદાન કરવાનો સંકલ્પ કરો

22 October, 2024 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કૂલના સ્ટુડન્ટ્સ મમ્મી-પપ્પાને અપીલ કરશે...મતદાન વધારવા ચૂંટણીપંચની અનોખી પહેલ: બાળકો મારફત પેરન્ટ્સને પહોંચાડવામાં આવશે સંકલ્પપત્ર

રવિવારે ઘાટકોપરના પોલીસ હૉકી ગ્રાઉન્ડમાં ઘાટકોપર ગુજરાતી સમાજ દ્વારા આયોજિત શરદોત્સવમાં ખેલૈયાઓ મતદાન બાબતે જાગૃતિ ફેલાવતાં બૅનરો અને પ્લૅકાર્ડ સાથે જોવા મળ્યા હતા. (તસવીરો: આશિષ રાજે)

‘મને ખબર છે કે તમે મને ખૂબ પ્રેમ કરો છો. મારા ઉજ્જવળ ભવિષ્ય માટે તમે દિવસ-રાત પરિશ્રમ કરો છો. મારું ભવિષ્ય લોકશાહી સાથે જોડાયેલું છે. આથી જ હું તમને સંકલ્પ લેવડાવવા માગું છું.’

આવો સંકલ્પપત્ર સ્કૂલમાં ભણતું તમારું સંતાન તમને આપે તો ચોંકતા નહીં. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે રાજ્યના ચૂંટણીપંચે સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે તેમના પેરન્ટ્સને સંકલ્પપત્ર મોકલવાની યોજના બનાવી છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી-કમિશનર એસ. ચોક્કલિંગમે શહેરમાં ઓછા મતદાન માટે ચિંતા વ્યક્ત કરી હતી. મે મહિનામાં થયેલી લોકસભાની ચૂંટણીમાં શહેરમાં અનેક પ્રયાસ બાદ પણ જેમતેમ કરીને પચાસ ટકાની આસપાસ જ મતદાન થયું હતું. લોકસભાની ચૂંટણીમાં મતદાન શનિવાર અને રવિવારને જોડીને રાખવામાં આવ્યું હતું. મોટા ભાગના લોકો રજાનો ફાયદો લઈને ફરવા નીકળી ગયા હતા એને લીધે મતદાનની ટકાવારીને ફટકો પડ્યો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને આગામી વિધાનસભાની ચૂંટણી બુધવારે રાખવામાં આવી છે.

સ્કૂલના વિદ્યાર્થીઓના માધ્યમથી પેરન્ટ્સને મતદાન કરવા માટેની અપીલ કરવા માટેના સંકલ્પપત્રમાં લખવામાં આવ્યું છે કે ‘આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમારે મતદાન કરવા જવાનું જ છે. મારા ભવિષ્ય માટે મતદાન કરવાનો સંકલ્પ કરો. મને વિશ્વાસ છે કે તમે આ સંકલ્પ જરૂર પૂરો કરશો.’

લોકસભામાં યોજના નિષ્ફળ રહી હતી

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી વખતે રાજ્યના ચૂંટણીપંચે આ યોજના અમલમાં મૂકી હતી. રાજ્યના કેટલાક ભાગમાં મતદાનની ટકાવારી વધી હતી; પરંતુ મુંબઈ, થાણે, કલ્યાણ વગેરે શહેરી ભાગોમાં આ યોજનાની કોઈ અસર નહોતી જોવા મળી. આથી વિધાનસભાની ચૂંટણીમાં પેરન્ટ્સ તેમનાં બાળકોનો સંકલ્પ પૂરો કરશે કેમ એ જોવું રહ્યું.

maharashtra assembly election 2024 maharashtra mumbai ghatkopar Lok Sabha Election 2024 mumbai news news