05 November, 2024 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બબનરાવ ઘોલપ, તનુજા ઘોલપ, યોગેશ ઘોલપ
નાશિક જિલ્લાની દેવલાલી વિધાનસભા બેઠક પર ફૅમિલી ડ્રામા જોવા મળ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ ઘોલપના પુત્ર યોગેશ ઘોલપ સામે તેની સગી નાની બહેન તનુજા ઘોલપે ઉમેદવારી નોંધાવી છે. યોગેશ ઘોલપને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ ઉમેદવારી આપી છે તો તેની સામે બહેન તનુજાએ અપક્ષ ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે. આ વાતની જાણ થતાં બબનરાવ ઘોલપે પુત્રી તનુજાને નોટિસ મોકલી છે અને ચૂંટણીમાં પિતાના નામ અને અટકને બદલે પતિની અટક વાપરવાનું કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બબનરાવ ઘોલપ અવિભાજિત શિવસેનામાંથી દેવલાલી બેઠક પર ૧૯૯૦થી ૨૦૦૯ સુધી પાંચ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. શિવસેનાના ભાગલા પડ્યા બાદ તેઓ UBT સાથે રહ્યા છે. તેમના પુત્ર યોગેશને ૨૦૧૪માં દેવલાલી બેઠકની ઉમેદવારી આપવામાં આવી હતી, પરંતુ તેનો પરાજય થયો હતો; જ્યારે પરિણીત પુત્રી તનુજા ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી ટિકિટ મેળવવાનો પાંચ વર્ષથી પ્રયાસ કરી રહી હતી. જોકે મહાયુતિમાં દેવલાલી બેઠક અજિત પવારને ફાળે જતાં BJPમાંથી ઉમેદવારી ન મળતાં તનુજાએ આ વખતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.