04 November, 2024 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગોપાલ શેટ્ટીની ફાઇલ તસવીર (તસવીરઃ નિમેશ દવે)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ (Maharashtra Assembly Elections 2024)ની જીત માટે તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી – ભાજપ (Bharatiya Janata Party - BJP)ના પૂર્વ સાંસદ અને બોરીવલી (Borivali) વિધાનસભા મતવિસ્તારના અપક્ષ ઉમેદવાર (Independent Candidate) ગોપાલ શેટ્ટી (Gopal Shetty)એ પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું (Gopal Shetty withdraws nomination) છે. ભાજપના બળવાખોર ગોપાલ શેટ્ટીએ મહારાષ્ટ્રની બોરીવલી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. ભાજપના નેતા વિનોદ તાવડે (Vinod Tawde) સાથે ચર્ચા કર્યા બાદ ગોપાલ શેટ્ટીએ અપક્ષ ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરીને પાર્ટીને મોટી રાહત આપી છે. આજે એટલે કે સોમવાર, ૪ નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ છે.
ભાજપના પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટીએ સ્પષ્ટતા કરી હતી કે, તેમનો વિરોધ પક્ષની અંદરની ખોટી કામગીરી સામે છે. તાજેતરમાં જ ભાજપે બોરીવલીથી સંજય ઉપાધ્યાય (Sanjay Upadhyay)ને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. આનાથી નારાજ શેટ્ટીએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી.
ગોપાલ શેટ્ટીએ બોરીવલી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સંજય ઉપાધ્યાય સામે ઉમેદવારી નોંધાવી હતી. ગોપાલ શેટ્ટીનું આ પગલું પાર્ટીની અંદર એકતા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, પાર્ટીના નિર્ણયનું સન્માન કરીને તેઓ પોતાનું પગલું પાછું ખેંચી રહ્યા છે. સંજય ઉપાધ્યાયને આ નિર્ણયથી સમર્થન મળવાની સંભાવના છે અને તેનાથી ભાજપની ચૂંટણીની સ્થિતિ મજબૂત થવાની ધારણા છે. ગોપાલ શેટ્ટીએ પણ પોતાના કાર્યકર્તાઓને પાર્ટી માટે એકજૂટ રહેવા અને ચૂંટણીમાં સમર્થન આપવા અપીલ કરી છે.
નોંધનીય છે કે, ઉમેદવારી પત્ર ભર્યા બાદ ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે, ‘મેં આ નિર્ણય પાર્ટીની ટિકિટની ઈચ્છાથી નહીં પરંતુ સ્થાનિક કાર્યકરોની ચિંતામાં લીધો છે, જેમની સતત અવગણના કરવામાં આવી છે. આવો આપણે સૌ સાથે મળીને આપણા મતવિસ્તારમાં સકારાત્મક પરિવર્તન લાવીએ.’ ત્યારથી જ તેમને સમજાવવાના પ્રયાસો તેજ થયા. શનિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ ગોપાલ શેટ્ટી સાથે મુલાકાત કરી હતી. આ પછી બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે, શેટ્ટીએ ફડણવીસને આશ્વાસન આપ્યું છે કે તેઓ ક્યારેય ભાજપ છોડશે નહીં અને પાર્ટીને નુકસાન થાય તેવું કંઈ પણ કરશે નહીં. તાવડેએ સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ પર શેટ્ટી અને ફડણવીસની તસવીરો પણ શેર કરી હતી.
તમને જણાવી દઈએ કે, ગોપાલ શેટ્ટી બે વખત સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૨૪ સુધી લોકસભાના સાંસદ હતા. આ પહેલા તેઓ વર્ષ ૨૦૦૪થી વર્ષ ૨૦૧૪ સુધી ધારાસભ્ય રહ્યા હતા. આ પહેલા ગોપાલ શેટ્ટી કાઉન્સિલર હતા.