દેશમાંથી આતંકવાદ ખતમ કર્યો, હવે મુંબઈમાંથી બંગલાદેશી અને રોહિંગ્યાઓને પણ તગેડી મૂકીશું

13 November, 2024 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુંબઈમાં કહ્યું...

ગઈ કાલે ઘાટકોપર (ઈસ્ટ)ના અરુણ કુમાર વૈદ્ય મેદાનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારો માટે પ્રચાર કરવા ગયેલા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ. ત્યારે તેમની સાથે મુંબઈ BJPના અધ્યક્ષ આશિષ શેલાર પણ હતા (તસવીર : રાણે આશિષ)

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અમિત શાહે ગઈ કાલે ઘાટકોપર અને કાંદિવલીમાં આયોજિત જાહેર સભાને સંબોધી હતી. આ સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશમાંથી જે‍ રીતે આતંકવાદને ખતમ કર્યો છે એવી જ રીતે અમે મુંબઈમાંથી બંગલાદેશી અને રોહિંગ્યાઓને હાંકી કાઢીશું. અમિત શાહે તેમના ભાષણમાં કહ્યું હતું કે ‘ભારતના ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલકુમાર શિંદેએ કહ્યું હતું કે તેઓ ગૃહપ્રધાન હતા ત્યારે કાશ્મીરમાં જવામાં તેમને ડર લાગતો હતો. કોઈ વાંધો નહીં, હવે તમે તમારા પરિવાર સાથે જાઓ, તમને કોઈ હાથ પણ નહીં અડાડે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાંથી આતંકવાદને ખતમ કર્યો છે. તમે બહાર ફરવા જવાનો પ્લાન કરો તો કાશ્મીર જજો. ઉદ્ધવ ઠાકરેને નાગપુર ફ્લાઇટમાં જવામાં ડર લાગતો હોય તો અમે બનાવેલા સમૃદ્ધિ મહામાર્ગ પરથી જજો, જલદી પહોંચી જશો. સત્તા માટે તેમણે બાળાસાહેબ ઠાકરેના વિચારને છોડ્યો, કૉન્ગ્રેસ અને શરદ પવાર સાથે યુતિ કરી, હું પૂછું છું કે ઉદ્ધવ ઠાકરેજી, તમે હજી કેટલા લાચાર થશો? ક્યારેક એકાંતમાં બેસીને બાળાસાહેબ ઠાકરેનું સ્મરણ કરો.’
ઘાટકોપરની સભામાં તેમણે મુંબઈકરોને મોટી સંખ્યામાં મત આપવા જવાનું આહ્‍વાન કરતાં કહ્યું હતું કે ‘મહા વિકાસ આઘાડીની સરકારે મુંબઈનાં તમામ ડેવલપમેન્ટનાં કામ અટકાવી દીધાં હતાં. અઢી વર્ષ સુધી રઝળી પડેલાં કામ મહાયુતિની સરકાર આવ્યા બાદ પાટે ચડ્યાં હતાં. જો હવે તમે આ આઘાડીને મત આપવાની ભૂલ કરશો તો મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં બધાં કામ ફરી એક વાર ખોરંભે ચડી જશે.’

ત્યાર બાદ તેમણે ઘાટકોપરથી ઉદ્ધવ ઠાકરેને પ્રશ્ન પૂછ્યો હતો કે ‘ઉદ્ધવ ઠાકરેજી, મહારાષ્ટ્રની જનતા સામે તમે ૩૭૦ કલમને લઈને શું માનો છો એ સ્ટૅન્ડ સ્પષ્ટ કરો. તમે ૩૭૦ કલમ પાછી લાવવા માગો છો? મને ખબર છે કે તેમની પાસેથી આપણને જવાબ નહીં મળે, કારણ કે તેઓ સત્તા માટે કૉન્ગ્રેસના ખોળામાં બેસી ગયા છે, પણ હું તમને ખાતરી આપું છું કે રાહુલબાબા અને તેમની ચાર પેઢી પણ ૩૭૦ કલમ પાછી નહીં લાવી શકે.’

maharashtra assembly election 2024 assembly elections bharatiya janata party amit shah ghatkopar kandivli mumbai mumbai news