13 November, 2024 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદેનું સોમવારે રાત્રે રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું
મુંબઈના ચાંદિવલી વિસ્તારમાંથી પસાર થઈ રહેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું સોમવારે રાત્રે રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. આ ઘટનાનો વિડિયો ગઈ કાલે ખૂબ વાઇરલ થયો હતો. મુખ્ય પ્રધાનનો કારનો કાફલો કૉન્ગ્રેસના ઉમેદવાર નસીમ ખાનના કાર્યાલય પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના કાર્યકરોએ મુખ્ય પ્રધાનના વાહનોનો કાફલો રોકીને ‘ગદ્દાર, ગદ્દાર’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. આ સાંભળીને એકનાથ શિંદે કારમાંથી બહાર નીકળ્યા હતા. તેઓ ચાલીને નસીમ ખાનના કાર્યાલયમાં ગયા હતા અને કહ્યું હતું, ‘ઐસા સિખાતે હૈં ક્યા આપ લોગ?’ જોકે એકનાથ શિંદે કાર્યાલયમાં ગયા ત્યારે નસીમ ખાન હાજર નહોતા.
ગદ્દાર, ગદ્દારનો સૂત્રોચ્ચાર કરનાર સંતોષ કટકે નામનો કાર્યકર રામદાસ આઠવલેની પાર્ટીનો હતો. સોમવારની રાતની ઘટના બાદ પોલીસે સંતોષ કટકેને તાબામાં લીધો હતો અને બાદમાં છોડી મૂક્યો હતો. આ બાબતની જાણ થતાં ઉદ્ધવ ઠાકરેએ સંતોષ કટકેને ગઈ કાલે સવારે માતોશ્રીમાં બોલાવીને સન્માન કર્યું હતું. એ પછી સંતોષ કટકેએ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.