19 November, 2024 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અમીન પટેલની રૅલીમાં મોહમ્મદ અઝહરુદ્દીન અને સચિન પાઇલટ
છેલ્લાં ૨૫ વર્ષથી રાજકારણમાં સક્રિય અમીન પટેલ ૨૦૦૨થી ૨૦૦૯ સુધી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના નગરસેવક રહ્યા હતા અને પછી ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં સતત ત્રણ વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અમીન પટેલ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમની પરંપરાગત બેઠક મુમ્બાદેવી પરથી ચોથી વખત કૉન્ગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અગાઉની ચૂંટણીની જેમ તેમને આ વખતે પણ તમામ વર્ગની જનતાનું સમર્થન મળી રહ્યું છે.
અમીન પટેલે કહ્યું હતું કે ‘૨૦૦૨થી અત્યાર સુધી મુમ્બાદેવી વિસ્તારમાં જનતાની સેવાનો મોકો મળ્યો છે. આટલાં વર્ષોમાં લોકો સાથે મળીને અનેક સફળતાની ઉજવણી કરી અને પડકારનો સામનો પણ કર્યો છે. મને કાયમ સમર્થન આપવા બદલ જનતાનો દિલથી આભાર વ્યક્ત કરું છું. તમારા સહયોગથી મને સ્થાનિક સમસ્યા અને બાકી રહેલાં કામ પૂરાં કરવાની હિંમત મળે છે. તમારો ભરોસો જ મારી પ્રેરણા છે.’
જનતાના આ વિશ્વાસ અને સમર્થનથી પ્રજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લાં ૧૦ વર્ષમાં ૬ વખત મુંબઈના નંબર વન વિધાનસભ્ય બનવાનું ગૌરવ મળ્યું છે એમ જણાવતાં અમીન પટેલે કહ્યું હતું કે ‘ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હાથે ‘મોસ્ટ આઉટસ્ટૅન્ડિંગ પાર્લમેન્ટેરિયન’નો અવૉર્ડ પણ બધાના સહયોગથી જ મળ્યો છે. મુમ્બાદેવી વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્ત્વનો વિષય રહ્યો છે. મુંબઈની ક્લસ્ટર રીડેવલપમેન્ટ પૉલીસી એસ્ટૅબ્લિશ કરવા માટે ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સમાં ફેરફાર કરવામાં ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે. એશિયાનો સૌથી મોટો કામાઠીપુરા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. પ્રોજેક્ટ મૅનેજમેન્ટ કમિટી બની ગઈ છે અને ટેન્ડર પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. આ એક પરિવર્તનકારી યાત્રાની શરૂઆત છે. આ પ્રોજેક્ટમાં દરેક ટેનન્ટને ૫૦૦ ચોરસ ફીટનો બે બેડરૂમ-હૉલ-કિચનનો ફ્લૅટ મળશે અને ૫૦ ચોરસ મીટરવાળી જગ્યાના માલિકોને ટકાવારી પ્રમાણે પ્લૉટ અલૉટ કરવામાં આવશે. આવી જ રીતે ઉમરખાડી ક્લસ્ટર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાઉસિંગ સોસાયટીઓની વાત કરીએ તો અનેક બિલ્ડિંગોનાં રીડેવલપમેન્ટનાં કામ પૂરાં થઈ ગયાં છે અને બાકીનાં કામ ચાલી રહ્યાં છે.’
હાઉસિંગની સાથે હેલ્થ કૅર દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને એના માટે અમીન પટેલે સતત પ્રયાસ કર્યા છે. મુમ્બાદેવી વિસ્તારમાં હૉસ્પિટલોની ઊંચાઈ ૬૦ મીટરથી વધુ કરવા માટે કાયદામાં ફેરફાર કરવાની માગણી કરવામાં આવી છે. આથી આમ કરવાથી રાજ્યમાં દરદીઓની સારવાર કરવાની ક્ષમતામાં ઘણો વધારો થશે. ઉપરાંત હેડ ઍન્ડ નેક કૅન્સર ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવાથી કૅન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થઈ છે.
લોકોને પોતાના વિસ્તારમાં જ આધુનિક સારવારની સુવિધા ઉપલબ્ધ થાય એ માટે બે નવી હૉસ્પિટલ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે જેમાં ગૌરાબાઈ મૅટરનિટી અને સિદ્ધાર્થ મુરલી દેવરા મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલોની ઇમારતોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. આ હૉસ્પિટલોમાં બાળકોથી લઈને તમામ ઉંમરના દરદીઓની તમામ પ્રકારની બીમારીની સારવાર થઈ શકે એ માટેની આધુનિક સુવિધા મળશે.
અમીન પટેલે હાઉસિંગ અને આરોગ્યની સાથે શિક્ષણમાં સુધારા કરવા માટેના પ્રોજેક્ટ માટે કામ કર્યું છે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના માધ્યમથી મુમ્બાદેવીમાં મ્યુનિસિપલ સ્કૂલો અને ફજલાની એશાબાઈ ઍન્ડ હાજી અબ્દુલ લતીફ ચૅરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ૬ સ્કૂલોમાં ૩૦૦૦ જેટલાં સામાન્ય પરિવારનાં બાળકોને સારી ક્વૉલિટીનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આવી સ્કૂલોની સંખ્યા ૧૨ કરવાની યોજના છે. સ્કૂલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાની સાથે સામાન્ય પરિવારનાં બાળકોને પણ કમ્પ્યુટર, રોબોટિક લૅબ, લાઇબ્રેરી, ટર્ફ, ઇન્ડોર સ્ટેડિયમ અને ઑડિટોરિયમની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યુવાઓને જરૂરી તાલીમ આપીને વિશેષ સ્કિલ્સ શીખવવામાં આવે છે જેથી તેઓ ભવિષ્યમાં સશક્ત થઈ શકે.
મુમ્બાદેવીમાં હેલ્થ અને વેલનેસને પ્રોત્સાહન આપવા માટે ફિટનેસ સુવિધા અને ઑપન જિમ્નૅશ્યમ બનાવવામાં આવ્યાં છે. સ્થાનિક રહેવાસીઓ આ સુવિધાનો લાભ લઈને તેમના આરોગ્યમાં સુધારો કરી રહ્યા છે. કોઈ પણ વિસ્તારમાં બગીચા અને રમતગમતનું મેદાન ન હોય તો એ અધૂરો ગણાય. મુમ્બાદેવીમાં છેલ્લાં કેટલાંક વર્ષમાં બગીચાનું નવીનીકરણ અને સૌંદર્યકરણ કરવામાં આવ્યું છે, જેનો લોકો ઉપયોગ કરીને આનંદદાયક જીવન જીવી રહ્યા છે.