25 October, 2024 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ૧૫ ઑક્ટોબરે જાહેર થવાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. આચારસંહિતામાં રાજકીય પક્ષ, ઉમેદવારો, સામાન્ય જનતા અને વેપારીઓએ ચૂંટણીપંચની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહે છે. આ સમય દરમ્યાન કેટલી કૅશ સાથે રાખી શકો છો એની મોટા ભાગના લોકોને જાણ નથી હોતી એટલે ઇલેક્શન કમિશનની ફ્લાઇંગ સ્ક્વૉડ પકડે ત્યારે સમસ્યા થાય છે.
મહારાષ્ટ્ર ઇલેક્શન કમિશનના ઍડિશનલ કમિશનર ડૉ. કિરણ કુલકર્ણીએ જણાવ્યું હતું કે ‘આચારસંહિતાની ગાઇડલાઇન્સમાં કૅશ, જ્વેલરી, દારૂ, ડ્રગ્સ વગેરે વસ્તુઓની હેરફેર પર ફ્લાઇંગ સ્ક્વૉડ દ્વારા નજર રાખવામાં આવે છે. ઉમેદવારો મોટા ભાગે આ વસ્તુઓથી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતા હોય છે. સામાન્ય લોકો પણ કૅશ સાથે પકડાય તો મુશ્કેલીમાં મુકાય છે. કોઈ વ્યક્તિ કે વેપારી ૫૦,૦૦૦ રૂપિયા કે એનાથી વધુ રકમ લઈને જાય તો તેણે પોતાની સાથે આઇડેન્ટિટી કાર્ડ, બૅન્કમાંથી કે ATMમાંથી રૂપિયા વિધડ્રૉ કર્યા હોય તો એની સ્લિપ અને આ રૂપિયા ક્યાં વાપરવામાં આવશે એની વિગતો આપવી પડશે.’
આ તપાસ એજન્સીઓ નજર રાખે છે
રાજ્યમાં ૧૯ એજન્સીઓને તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યનાં ૨૮૮ વિધાનસભા ક્ષેત્રો પર નજર રાખવા માટે ૧૬૦૦ ફ્લાઇંગ સ્ક્વૉડ અને ૧૯૦૦ સ્ટૅટિક સર્વેલન્સ ટીમ બનાવવામાં આવી છે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં ૩ ફ્લાઇંગ સ્ક્વૉડ અને ૩ સ્ટૅટિક સર્વેલન્સ ટીમ નજર રાખશે. આ ફલાઇંગ સ્ક્વૉડમાં ઇન્કમ ટૅક્સ વિભાગ, રેવન્યુ વિભાગ, રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગ, એક્સાઇઝ વિભાગ, CGST, SGST, કસ્ટમ્સ વિભાગ, નાર્કોટિક્સ, ફાઇનૅન્શિયલ ઇન્ટેલિજન્સ વિભાગ, કોસ્ટગાર્ડ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ અને ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા જેવી એજન્સીઓ નજર રાખશે. આચારસંહિતા લાગુ થયાથી ગઈ કાલ સુધી રાજ્યભરમાં ૪૫ કરોડ રૂપિયાનો સામાન, કૅશ, ડ્રગ્સ અને જ્વેલરી જપ્ત કરવામાં આવ્યાં છે.