23 October, 2024 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય ઠાકરે, અમિત ઠાકરે
આદિત્ય બાદ ઠાકરે પરિવારમાંથી બીજા પુત્રએ ચૂંટણીમાં ઝંપલાવ્યુંઃ હવે રાજ ઠાકરેના પુત્રની સામે ઉદ્ધવ ઠાકરે કોને ઉતારે છે એના પર છે બધાની નજર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ ગઈ કાલે રાત્રે પહેલું લિસ્ટ બહાર પાડ્યું હતું જેમાં રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને માહિમ વિધાનસભાની બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવી છે. આ સિવાય વરલીમાં આદિત્ય ઠાકરેની સામે MNSના ફાયરબ્રૅન્ડ પ્રવક્તા સંદીપ દેશપાંડેને ટિકિટ આપી છે. હવે વરલીમાં મહાયુતિ કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતારે છે કે પછી MNSના સંદીપ દેશપાંડેને સપોર્ટ આપે છે એના પર બધાની નજર છે. ૪૫ ઉમેદવારોના લિસ્ટમાં આપણા માટે સૌથી ધ્યાનાકર્ષક વાત એ છે કે ચાંદિવલીની બેઠક પરથી MNSએ ગુજરાતી ઉમેદવાર આપ્યો છે. મહેન્દ્ર ભાનુશાળી છેલ્લા ઘણા સમયથી MNSમાં સક્રિય છે.
એવું કહેવાતું હતું કે વરલીમાં આદિત્ય ઠાકરેની સામે MNS કોઈ ઉમેદવાર નહીં આપે અને એની સામે માહિમમાં અમિત ઠાકરેની સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેના કોઈ કૅન્ડિડેટ જાહેર નહીં કરે, પણ હવે જ્યારે MNSએ વરલીથી પોતાનો ઉમેદવાર આપ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરે માહિમ બેઠક પરથી કોને લડાવે છે એ જોવું પણ મહત્ત્વનું બની રહેશે. ૨૦૧૯માં માહિમ બેઠક પરથી શિવસેનાના સદા સરવણકર જીત્યા હતા, પણ હવે તે એકનાથ શિંદેની શિવસેના સાથે છે. ૨૦૦૬માં MNSની સ્થાપના થયા બાદ ૨૦૦૯માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં માહિમ બેઠક પરથી MNSના નીતિન સરદેસાઈનો વિજય થયો હતો. ત્યાર સુધી આ બેઠક શિવસેનાનો ગઢ માનવામાં આવતી હતી.
રાજ ઠાકરેએ પહેલાં જ જાહેર કરી દીધું છે કે આ વખતે તેમની પાર્ટી તમામ ૨૮૮ બેઠક પર ચૂંટણી લડવાની છે. જોકે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમની મિડનાઇટ મીટિંગ થયા બાદ એવું કહેવાય છે કે અમુક બેઠક પર મહાયુતિ MNSના ઉમેદવારોને બિનશરતી ટેકો આપશે. લોકસભાની ચૂંટણી વખતે રાજ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને બિનશરતી ટેકો આપ્યો હોવાથી વિધાનસભામાં આવી ગોઠવણ કરવામાં આવી હોવાનું કહેવાય છે.