Maharashtra Assembly Elections 2024 : ચૂંટણી પહેલા અજિત પવારનો મોટો ખુલાસો, જોડાશે કાકા શરદ પવાર સાથે?

19 August, 2024 02:25 PM IST  |  Mumbai | Manav Desai

ભાજપા શિવસેના અને એનસીપીમાં જેવું દર્શાવવામાં આવે એવું સુશાસન ચાલતું નથી. જ્યારે અજિત પવારને પાછા જોડાવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ક્ષણભરનો પણ સમય ન લેતા જવાબ આપ્યો અને કહ્યું કે "નો કૉમેન્ટ્સ".

અજિત પવાર

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ (National Democratic Alliance)ના પ્રદર્શનના આપણે બધાં જ સાક્ષી છીએ. સતત રાજકીય હિલચાલોનો સામનો કરતું મહારાષ્ટ્ર રાજ્ય હવે જ્યારે ચૂંટણી (Maharashtra Assembly Election 2024) તરફ ફરી પાછું જઈ રહ્યું છે તે પહેલાં, એનસીપીના વડા અજિત પવારે લોકસભા ઇલેક્શનમાં એનડીએના ચિંતાજનક પ્રદર્શનના કારણો જણાવ્યા છે. 

અબકી બાર ચારસો પાર પડ્યું ભાજપને ભારે
સંપૂર્ણ બહુમતથી વિજય મેળવનાર ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીઓના કેમ્પેઇન દરમ્યાન આબ કી બાર ચારસો પારનો નારો આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ નાનામાં નાના પાર્ટી કાર્યકર્તાઓને લાગતું હતું કે, રામમંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ હવે બહુમતીનો માર્ગ સરળ થઈ ગયો છે. પણ જે હિન્દુત્વ અને હિંદુરાષ્ટ્રની ઢાળ સાથે ભાજપા ચૂંટણી લડતી હતી હકીકતમાં એજ ઢાળ ભાજપને લઈ ડૂબી છે. આ વાતનો ખુલાસો કરતાં અજિત પવારે પણ સ્વીકાર્યું છે કે વિપક્ષ દ્વારા ચારસો પારના મુદ્દાને ફેરવી નાખવામાં આવ્યો હતો. સંપૂર્ણ બહુમતનો નારો જોતજોતામાં લઘુમતીઓ વિરુદ્ધ થવા લાગ્યો. વિપક્ષ દ્વારા સતત કહેવામાં આવતું રહ્યું કે જો ભાજપ ફરી પછી સરકારમાં આવશે તો સંવિધાનમાં મોટા બદલાવ કરવામાં આવશે. બાબા સાહેબ આંબેડકર દ્વારા સંવિધાન માટે આપવામાં આવેલો ફાળો આપણે સહુ જાણીએ છીએ. લઘુમતીઓ અને સુનિશ્ચિત કાસ્ટ (SC,OBC)થી આવતા મતદાતાઓને એવું લાગવા લાગ્યું કે બાબા સાહેબના વિચારોથી હવે ભાજપા વિરુદ્ધ થઈ રહી છે અને જો તેમને મત આપવામાં આવે તો લઘુમતીઓનું સ્પેશિયલ સ્ટેટસ બાકાત થઈ શકે છે. 

નોંધનીય છે કે લોકસભા ચૂંટણીના પહેલા અને બીજા તબ્બકા દરમિયાન એનડીએના લગભગ બધા જ નેતાઓ દ્વારા સત્તામાં આવ્યા બાદ મોટા ફેરફાર અને નીતિઓ લાગુ થશે એવું કહેવામાં આવ્યું હતું. હિમાલયમાં વાતા પવાનોની સાથે જેમ ચૂંટણીનું ચરણ મહારાષ્ટ્રના સાતપૂડા પર્વતો તરફ વડ્યું ત્યારે પાસા પલટવાની શરૂઆત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ત્રીજા ચરણના ભાષણોમાં ચોખવટ કરવી પડી કે તેઓ સંવિધાનમાં કોઈ બદલાવ લાવવા માંગતા નથી. એક તરફ વાત બદલાવોની હતી ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી સંવિધાનના પુસ્તકને દર્શાવી પોતાની વાતો મતદાતાઓ સુધી પહોંચાડતા હતા. મહારાષ્ટ્રની આગામી ચૂંટણીઓમાં હવે આવી કોઈ વિચારલક્ષી ભૂલો ના થાય તે માટે અજિત પવારે પાર્ટી કાર્યકર્તાઓને ફક્ત વિકાસની વાતો કરવાનો કહ્યું છે. 

મોટી ભૂલનો પસ્તાવો હવે થઈ રહ્યો છે ભત્રીજા અજિતને
પરિવાર સામે પરિવાર ભારતીય રાજકારણમાં ચાલતું આવ્યું છે. લોકસભા ચૂંટણી દરમિયાન બારામતીમાં પણ આવું જ જોવા મળ્યું. સુપ્રિયા સુળે સામે અજિત પવારે તેમની પત્ની સુનેત્રા પવારને ઊભા રાખ્યા. જ્યારે શરદ પવારને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે સહજતાથી વાતને ફગાવી. નણંદ ભાભીની આ લડાઈમાં આખરે તો સુપ્રિયા સુળે જ બહુમતથી જીત્યા પણ અજિત પવારને ઘણા વાક્ વચનોનો સામનો કરવો પડ્યો. હાલમાં જ્યારે અજિતદાદાને આ ચાણક્ય નીતિ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પેટછૂટી વાત કરતાં સ્વીકાર્યું કે પરિવારની દ્રષ્ટિએ આ પગલું લેતા તેઓ રાજી ન હતા અને હવે ભૂતકાળ તરફ જોયા બાદ તેમને આ વાતનો પસ્તાવો પણ થાય છે પરંતુ ચૂંટણી દરમિયાન પાર્ટીના બોર્ડ મેમ્બર્સની મૅજોરિટીએ જે માન્ય કર્યું તે જ સ્વીકારીને ચાલવું તેમને યોગ્ય લાગ્યું. 

શું કાકા ભત્રીજા હવે થશે પાછા એક? જાણો અજિત દાદાનો જવાબ
Maharashtra Assembly Election 2024: સૂત્રો મુજબ ઘણા સમયથી એનસીપીની ભાજપ સાથે યુતિ કરવાની યોજના હતી, પરંતુ છેલ્લા સમયે શરદ પવાર પીછેહઠ કરી લેતાં શરદ પવારનો પુત્રી પ્રેમ આખરે અજિતને પચ્યો નહીં અને તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો. સૂત્રોને હવાલે હવે અજિત પવાર પાછા કાકા શરદ પવાર સાથે જોડાય તેવી અટકળો છે. ભાજપા શિવસેના અને એનસીપીમાં જેવું દર્શાવવામાં આવે એવું સુશાસન ચાલતું નથી. જ્યારે અજિત પવારને પાછા જોડાવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ક્ષણભરનો પણ સમય ન લેતા જવાબ આપ્યો અને કહ્યું કે "નો કૉમેન્ટ્સ". અજિત દાદાનો જવાબ હા હતો કે ના તે હવે જોવું રહ્યું...

sharad pawar ajit pawar supriya sule nationalist congress party national news maharashtra assembly election 2024 maharashtra political crisis devendra fadnavis eknath shinde shiv sena congress