08 November, 2024 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવારે ગઈ કાલે નવાબ મલિક સાથે માનખુર્દમાં રોડ-શો કર્યો હતો
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભારે વિરોધ બાદ પણ ગઈ કાલે NCPના માનખુર્દ-શિવાજીનગર બેઠકના ઉમેદવાર નવાબ મલિક માટે પ્રચાર કર્યો હતો. સત્તાધારી મહાયુતિમાં સાથે હોવા છતાં BJP નવાબ મલિક દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ ધરાવવાને નામે વિરોધ કરી રહી છે અને પ્રચાર કરવાની પણ ના પાડી છે. આ વિશે અજિત પવારે કહ્યું હતું કે ‘મેં ઉમેદવાર આપ્યો છે એટલે તેના માટે પ્રચાર કે સભા કરવાની મારી ફરજ છે. આથી હું મુંબઈમાં પ્રચાર કરવા માટે આવ્યો છું. કોઈ ગમે તેટલા આરોપ કરે, જ્યાં સુધી આરોપ પુરવાર ન થાય ત્યાં સુધી એ આરોપ જ રહે છે. આરોપ થયા હોય એવા કેટલા લોકોનાં નામ ગણાવું? નવાબ મલિક પર આરોપ થયો છે, મારા પર પણ આરોપ કરવામાં આવ્યો હતો. આરોપ સિદ્ધ થયા? અમે ઉમેદવારી આપતી વખતે દરેક બાબતને ધ્યાનમાં રાખીએ છીએ એટલે કોઈ સમાજને અવગણી ન શકીએ.’