25 October, 2024 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઉમેદવારી નોંધાવવા જતા આદિત્ય ઠાકરે. (તસવીર : અનુરાગ અહિરે)
ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ બીજી વખત વરલી વિધાનસભાની બેઠકમાંથી ચૂંટણી લડવા માટે ગઈ કાલે ઉમેદવારી દાખલ કરી હતી. આદિત્ય ઠાકરેએ ઉમેદવારી ફૉર્મ સાથે સબમિટ કરેલા સોગંદનામામાં જણાઈ આવ્યું છે કે ૨૦૧૯થી અત્યાર સુધીનાં પાંચ વર્ષમાં તેની સંપત્તિમાં ૩૫ ટકાનો એટલે કે પાંચ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આદિત્ય ઠાકરેના બૅન્ક-અકાઉન્ટમાં ૩૭ લાખ રૂપિયા કૅશ છે અને ૨.૮૧ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે. શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફન્ડમાં તેણે ૧૦.૧૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેની પાસે ૧.૯૧ કરોડ રૂપિયાની કિંમતનાં સોના, ચાંદી અને ડાયમન્ડ અને ૧૫.૪૩ કરોડ રૂપિયાની કિંમતની BMW કાર છે. આ ઉપરાંત આદિત્ય ઠાકરેને તેના પિતા ઉદ્ધવ ઠાકરે તરફથી રાયગડ જિલ્લાના ખાલાપુર તાલુકાના બિલાવાલે ગામમાં ૧.૪૮ કરોડ રૂપિયાની કિંમતના પાંચ પ્લૉટ અને થાણે જિલ્લામાં ૩.૨૧ કરોડ રૂપિયાની કિંમતની બે દુકાન ગિફ્ટમાં આપવામાં આવી છે.