06 November, 2024 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો ફાઇનલ થઈ ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વચ્ચે છૂપી યુતિ થઈ હોવાની ચર્ચા શરૂ થઈ છે. રાજ ઠાકરેનાં છેલ્લા કેટલાક દિવસનાં નિવેદનો અને તેમણે કઈ બેઠકો પર ઉમેદવારો ઊભા નથી રાખ્યા એના પરથી છૂપી યુતિ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
મુંબઈની ૩૬ વિધાનસભા બેઠકમાંથી MNSએ ૨૫ બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. મહાયુતિમાં આ બેઠકોમાંથી ૧૭ બેઠક પર BJP અને ૧૨ બેઠક પર એકનાથ શિંદેની શિવસેના લડી રહી છે. BJPના કોલાબા બેઠકના ઉમેદવાર રાહુલ નાર્વેકર, મલબાર હિલના ઉમેદવાર મંગલ પ્રભાત લોઢા, બાંદરા-વેસ્ટના ઉમેદવાર આશિષ શેલાર, મલાડ-વેસ્ટના ઉમેદવાર વિનોદ શેલાર, મુલુંડના ઉમેદવાર મિહિર કોટેચા, સાયન-કોલીવાડાના ઉમેદવાર તમિલ સેલ્વન સામે MNSએ ઉમેદવાર ઊભા નથી રાખ્યા એટલું જ નહીં, દેવેન્દ્ર ફડણવીસ સામે નાગપુરમાં પણ BJPને બાય આપવામાં આવી છે. આ ઉપરાંત BJPનાં મુરજી પટેલ અને શાઇના એન. સી.ને એકનાથ શિંદેની શિવસેનામાંથી અંધેરી-ઈસ્ટ અને મુંબાદેવી બેઠક પર ઉમેદવારી આપવામાં આવી છે તેમની સામે પણ રાજ ઠાકરેએ કોઈને ટિકિટ નથી આપી. એની સામે શિવડી વિધાનસભા બેઠક પર મહાયુતિએ MNSના બાળા નાંદગાંવકર સામે કોઈ ઉમેદવાર ઊભો નથી કર્યો એટલું જ નહીં, બાળા નાંદગાંવકરને સમર્થન આપવાની જાહેરાત ગઈ કાલે BJPના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે કરી હતી.
બીજી તરફ રાજ ઠાકરેએ એકનાથ શિંદેની શિવસેનાના તમામ ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. આથી ચર્ચા છે કે રાજ ઠાકરેએ એકનાથ શિંદેની મુશ્કેલી વધારી છે. માહિમ બેઠક પરથી પહેલી વખત ચૂંટણી લડી રહેલા અમિત ઠાકરે સામે એકનાથ શિંદેએ સદા સરવણકરને ફરી ઉમેદવારી આપવાને લીધે નારાજ થઈ ગયેલા રાજ ઠાકરેએ આવું કર્યું હોવાનું કહેવાય છે.