પહેલી વાર વોટ આપીને કેવું લાગ્યું?

21 November, 2024 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલનો દિવસ અને મતદાન કરવા મળેલી ક્ષણો યાદગાર બની ગઈ છે- સ્વયં કોઠારી

હિયા ભાનુશાલી, વૃતિકા ચાવડા, સ્વયં કોઠારી

ઘાટકોપર-વેસ્ટની કલ્પતરુ ઑરા સોસાયટીમાં રહેતી અને સાયનની સાઉથ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી કૉલેજમાં બિઝનેસ મૅનેજમેન્ટનો અભ્યાસ કરતી હિયા ભાનુશાલીએ ગઈ કાલે પ્રથમ વાર મતદાન કરીને કહ્યું હતું કે મારો પ્રથમ મત આપવો એ મારા માટે એક મહાન લહાવો હતો. એક ગૌરવપૂર્ણ ભારતીય નાગરિક તરીકે હું મત આપવો એ એક વિશેષ તક હોવાનું માનું છું એમ જણાવતાં હિયાએ ‌‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા દાદા પરમાનંદ ભાનુશાલી મારી સાથે મત કઈ રીતે આપવો એ પ્રક્રિયાને સમજાવવા માટે મારી સાથે સોસાયટીના કલબહાઉસમાં આવ્યા હતા. મારી આંગળી પર બ્લુ રંગનું નિશાન હોવાથી હું મારા દેશ પ્રત્યે ખૂબ જ અભિભૂત અને જવાબદાર હોવાનું અનુભવું છું.’ - હિયા ભાનુશાલી

થાણે વેસ્ટના ચેકનાકા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની વૃતિકા ચાવડા ગઈ કાલે સવારે સેન્ટ લૉરેન્સ સ્કૂલમાં ફર્સ્ટ ટાઇમ મતદાન કરી લોકશાહીમાં સહભાગી થતાં તેનામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વૃતિકાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચૂંટણીમાં આપણા મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ. ગઈ કાલે સવારે લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે મેં ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું હતું. વોટિંગ કાર્ડ આવ્યા પછી વોટિંગ માટે હૂં ખૂબ જ ઉત્સુક હતી. ફાઇનલી ગઈ કાલે મેં મારો પહેલો વોટ આપ્યો હતો. એ ઉપરાંત મેં બીજા લોકોને પણ વોટિંગ પાછળનું મહત્ત્વ સમજાવી તેમને પણ વોટિંગ કરવા માટે પ્રરિત કર્યા હતા.’ - વૃતિકા ચાવડા

ઘાટકોપર-વેસ્ટની નવરોજી લેનમાં રહેતા ૧૮ વર્ષના સ્વયં કોઠારીએ ગઈ કાલે પ્રથમ વાર મતદાન કર્યું હતું. તેના માટે ગઈ કાલનો દિવસ અને મતદાન કરવા મળેલી ક્ષણો યાદગાર બની ગઈ છે.
આ બાબતની માહિતી આપતાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહેલા સ્વયં કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેની હું ઘણા સમયથી રાહ જોતો હતો એ પળ ગઈ કાલે મારા જીવનમાં આવી હતી. આના માટે હું ખૂબ જ પ્રાઇડ અનુભવું છું. લોકશાહીમાં આંગળી પર શાહીની નિશાનીએ મને લોકશાહીની પ્રક્રિયાનો ભાગ બનાવ્યો છે જે મને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને સશક્તીકરણનો અહેસાસ અપાવે છે. ગઈ કાલે મારી આંગળી પર થયેલી કાળી શાહી મને સામૂહિક નિર્ણય લેવાની પ્રક્રિયામાં મારી સહભાગીતાનું પ્રતીક છે જેણે મને યાદ અપાવ્યું છે કે દરેક નાગરિકનો અવાજ લોકશાહીમાં મહત્ત્વપૂર્ણ છે.’ - સ્વયં કોઠારી

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections ghatkopar thane gujaratis of mumbai