સાંગલીમાં ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારને બદલે અજિત પવારને સમર્થન આપ્યું

09 November, 2024 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકસભાની ચૂંટણીમાં બળવો કરનારા કૉન્ગ્રેસના સંસદસભ્ય સામે બદલો લેવા આવો નિર્ણય લીધો હોવાની ચર્ચા ચાલી રહી છે

શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે

આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સાંગલી બેઠક પર અપક્ષ ઉમેદવાર વિશાલ પાટીલનો વિજય થવાથી એ ખૂબ ચર્ચામાં રહી હતી. ઉદ્ધવ ઠાકરેએ મહા વિકાસ આઘાડીમાં સાંગલી બેઠક જીદ કરીને મેળવી હતી, પણ કૉન્ગ્રેસમાં બળવો કરીને અપક્ષ ચૂંટણી લડનારા વિશાલ પાટીલ  સામે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના ઉમેદવારનો પરાજય થયો હતો. આ વાત ઉદ્ધવ ઠાકરેને ખૂંચી રહી છે એટલે તેમણે લોકસભાની ચૂંટણીમાં હારનો બદલો વિધાનસભાની ચૂંટણીમાં લીધો છે. મહા વિકાસ આઘાડીમાંથી સાંગલી બેઠક નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ને મળી છે અને અહીંથી દિવંગત આર. આર. પાટીલના પુત્ર રોહિત પાટીલને ઉમેદવારી આપવામાં આવી છે, જ્યારે તેની સામે મહાયુતિમાંથી અજિત પવારે NCPમાંથી ભૂતપૂર્વ સંસદસભ્ય સંજયકાકા પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. અહીં સુધી તો બધું ઠીક હતું, પણ લોકસભાની જેમ વિધાનસભાની ચૂંટણીમાં પણ વિશાલ પાટીલે મહા વિકાસ આઘાડીના ઉમેદવારને બદલે અપક્ષ ચૂંટણી લડી રહેલાં રાજશ્રી પાટીલને પોતાનો ટેકો જાહેર કર્યો છે. વિશાલ પાટીલના બીજી વખતના બળવાથી નારાજ થઈ ગયેલા ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારના ઉમેદવારને બદલે અજિત પવારના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. UBTમાંથી સાંગલી બેઠક પર પ્રદીપ માને ચૂંટણી લડવા ઉત્સુક હતો, પણ તેને મનાવી લઈને ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવારી પાછી ખેંચાવી લીધી છે અને હવે તેને અજિત પવારના ઉમેદવારને કોઈ પણ શરત વિના સમર્થન આપવાનું કહ્યું છે. આથી શરદ પવાર અને કૉન્ગ્રેસમાં ઉદ્ધવ ઠાકરેના નિર્ણય સામે નારાજગી જોવા મળી રહી છે.

maharashtra assembly election 2024 uddhav thackeray sharad pawar ajit pawar shiv sena maha vikas aghadi congress nationalist congress party Lok Sabha maharashtra maharashtra news political news mumbai news mumbai news