13 October, 2024 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે
હું બાળાસાહેબનો સૈનિક છું એટલે તમે માનો છો એટલા સસ્તામાં આઉટ નહીં થાઉં
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે આઝાદ મેદાનમાં આયોજિત શિવસેનાની દશેરા સભાને સંબોધન કરતી વખતે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરવાની સાથે મહાયુતિની સરકાર મહારાષ્ટ્રને સમૃદ્ધ, સમર્થ અને વિકસિત કરવા માગતી હોવાનો સંકલ્પ કર્યો હતો.
એકનાથ શિંદેના ભાષણના મહત્ત્વના મુદ્દા...
હિન્દુ ભાઈ અને બહેનો કહેનારા લોકોને હવે હિન્દુ શબ્દની ઍલર્જી થઈ ગઈ છે એટલે તેમની જીભ નથી ઊપડતી. આથી હિન્દુત્વ સાથે આમનો કોઈ નાતો નથી રહ્યો અને તેમનાં પાકિસ્તાનમાં અભિનંદનનાં પોસ્ટર લાગે છે.
આ લોકો કહેતા હતા કે એક મહિનો, છ મહિના અને એક વર્ષમાં સરકાર તૂટી પડશે. આજે અઢી વર્ષ થઈ ગયાં છે અમારી મહાયુતિની સરકારને. હું બાળાસાહેબ અને આનંદ દીઘેનો ચેલો છું. મેદાનમાંથી ભાગનારો નહીં, પણ બીજાઓને ભગાવનારો કટ્ટર શિવસૈનિક છું. એકનાથ શિંદે જ્યાં જાય છે ત્યાં આશીર્વાદ મળે છે. આ લાડકી બહિણ, ખેડૂત અને સામાન્ય લોકોના હકની સરકાર છે.
સરકાર બનાવ્યા બાદ મહારાષ્ટ્રને ફરી નંબર વન બનાવ્યું એનો ગર્વ છે. કોરોના સમયે ઘરમાં છુપાઈ જનારો મુખ્ય પ્રધાન નથી. લોકોની મદદ માટે રસ્તા પર ઊતરનારો મુખ્ય પ્રધાન છું. સરકાર ન બદલાઈ હોત તો લાખો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અટવાઈ જાત, બધી કલ્યાણકારી યોજના બંધ થઈ જાત, લાડકી બહિણ યોજના ન આવી હોત, શાસન તમારે દરવાજે યોજના ન લાવ્યું હોત.
હું બે વર્ષનો રિપોર્ટ કાર્ડ આપું છું, તમે અઢી વર્ષમાં કેટલું કામ કર્યું હતું એનો રિપોર્ટ આપો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કોવિડના સમયમાં લોકો મરી રહ્યા હતા ત્યારે તમે વિવિધ કૌભાંડના રૂપિયા ગણતા હતા. આ પાપ ક્યાં જઈને ફેડશો?
મારી દાઢીની વિરોધીઓ ટીકા કરે છે, પણ તેમને ખબર નથી હું બાળાસાહેબનો સૈનિક છું એટલે તમે માનો છો એટલા સસ્તામાં હું આઉટ નહીં થાઉં. જનતાનું સમર્થન અને આશીર્વાદ છે એટલે કોઈ મારો વાળ પણ વાંકો કરી નહીં શકે. આ દાઢીવાળાએ જ મહાવિકાસ આઘાડી સરકારને ધ્વસ્ત કરી હતી.
છેલ્લા શ્વાસ સુધી મોદી-શાહનું મહારાષ્ટ્ર નહીં થવા દઉં
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ની ગઈ કાલે શિવાજી પાર્કમાં દશેરા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આકરી ટીકા કરી હતી.
ઉદ્ધવ ઠાકરેના ભાષણના મહત્ત્વના મુદ્દા...
ભારતીય જનતા પાર્ટી (BJP)એ સમાજમાં ભેદભાવ ઊભો કર્યો છે. કેન્દ્રની સત્તા અને સરકારી યંત્રણાએ મળીને ઉદ્ધવ ઠાકરેને ખતમ કરવાનું નક્કી કર્યું છે. જોકે મને કોઈની પરવા નથી. બધાની છાતી પર બેસીને ભગવો ફરકાવ્યા સિવાય ચૂપ નહીં બેસું.
નરેન્દ્ર મોદી અને અમિત શાહ મહારાષ્ટ્ર આંચકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ છેલ્લા શ્વાસ સુધી હું આવું નહીં થવા દઉં. આનંદ દિઘે જીવતા હોત તો તેઓ થાણેમાં જ એકનાથ શિંદેને ગોળી મારી દેત.
બદલાપુરની બે માસૂમ બાળકીનું શારીરિક શોષણ કરનારા આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટર કરાવીને સરકારે અક્ષય શિંદેની ગરીબ માતાનું અપમાન કર્યું છે.
એકનાથ શિંદેની સરકારે મુંબઈ અને રાજ્યમાં અનેક મોટાં કૌભાંડ કર્યાં છે. હું મુંબઈ અને મહારાષ્ટ્રની લૂંટ નહીં થવા દઉં.
અમે યુતિ તોડીને BJPને લાત મારી હતી, કારણ કે એનું હિન્દુત્વ ગૌમૂત્રધારી હિન્દુત્વ છે. મિંધે (શિંદે)ને કહો કે તમારો વિચાર બાળાસાહેબનો વિચાર નથી. તે પૂંછડી હલાવનારો શ્વાન છે. મારે કૂતરાનું અપમાન નથી કરવું. હું શ્વાનપ્રેમી છું.
દર વર્ષે શિવસેનામાં નવા અંકુર ફૂટી રહ્યા છે. ભગવા ઝંડા હવે મશાલ બન્યા છે. બે દિવસ પહેલાં ઉદ્યોગપતિ રતન તાતાનું અવસાન થયું. તેમના જેવા ઉદ્યોગપતિ અલગ પ્રકારના હોય છે. તેમણે દેશને ઘણું આપ્યું. તાતાએ મીઠું આપ્યું અને આજના ઉદ્યોગપતિઓ મીઠાગરની જમીન ગળી રહ્યા છે. રતન તાતા ગયા એનું અને આજના ઉદ્યોગપતિ કેમ નથી જતા એનું દુઃખ થાય છે. રતન તાતા એક વખત અમારા ઘરે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે શિવસેનાપ્રમુખને યોગ્ય લાગ્યું હશે એટલે જ તમને ઉત્તરાધિકારી બનાવ્યા છે.
BJPએ છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું મત મેળવવા માટે ઊભું કર્યું હતું જે માત્ર ૮ મહિનામાં તૂટી પડ્યું. તેમણે આપણા આરાધ્યદેવનું પૂતળું બનાવવામાં પણ ભ્રષ્ટાચાર કર્યો. અમે રાજાનું પૂતળું નથી બનાવતા, તેમની પૂજા કરીએ છીએ. અમે સત્તામાં આવીશું તો રાજ્યના દરેક જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનાં મંદિર બનાવીશું. જય શ્રીરામની જેમ જય શિવરાય બોલીશું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપનાને ૧૦૦ વર્ષ થઈ રહ્યાં છે ત્યારે RSSના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ જોખમમાં હોવાનું કહ્યું છે. ૧૦ વર્ષથી વિશ્વગુરુ સત્તામાં છે, આટલા સમયમાં પણ તમે હિન્દુઓનું રક્ષણ નથી કરી શકતા? ત્રણ વખત લોકોએ સત્તા આપી તો પણ હિન્દુઓ સલામત નથી તો તમે હિન્દુઓ માટે કર્યું શું? આના કરતાં તો કૉન્ગ્રેસની સરકાર સારી હતી. BJP હાઇબ્રીડ બની ગઈ છે.
‘હિન્દુવ આમચા શ્વાસ, મરાઠી આમચા પ્રાણ, અદાણી આમચી જાન, આમ્હી શેઠજીંચે શ્વાન...’ એવી મિંધેની જાહેરાત છે.
રાજ્ય સરકારની લોન લેવાની એક મર્યાદા હોય છે. રાજ્ય સરકાર ત્રણ લાખ કરોડ રૂપિયાની લોન લઈને કૉન્ટ્રૅક્ટરોને આપીને ફટાકડા ફોડી રહી છે એથી રાજ્યની તિજોરીની હાલત ગંભીર થઈ ગઈ છે.
રાજ્ય સરકારે ધારાવી રીડેવલપમેન્ટમાં પણ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને અહીંના લોકોને ખોટી આશા આપી છે. અમારી સરકાર આવશે તો અમે આ પ્રોજેક્ટ બંધ કરાવી દઈશું.
આદિત્ય ઠાકરેએ પહેલી વખત દશેરા સભામાં ભાષણ કર્યું
દશેરાએ શિવાજી પાર્કમાં સભા કરવાની શરૂઆત બાળાસાહેબ ઠાકરેએ કરી હતી. તેમના પછી ઉદ્ધવ ઠાકરે સભા ગજવી રહ્યા છે અને હવે ત્રીજી પેઢીના આદિત્ય ઠાકરેએ ગઈ કાલે પહેલી વખત દશેરાની સભામાં ભાષણ કર્યું હતું. આદિત્ય ઠાકરેએ ભાષણમાં કહ્યું હતું કે ‘બાળાસાહેબે મને આ જ મેદાનમાં મારા હાથમાં તલવાર આપી હતી. આગામી વિધાનસભાની ચૂંટણી મહત્ત્વની લડાઈ છે. બે વર્ષથી આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એ ઘડી આવી ગઈ છે. જ્યાં સુધી અદાણીનાં બધાં કામ નહીં થાય ત્યાં સુધી ચૂંટણીની આચારસંહિતા લાગુ નહીં થાય એવું એક અધિકારીએ મને કહ્યું છે. આ લડાઈ વ્યક્તિગત નહીં, પણ મહારાષ્ટ્રની સરકાર દ્વારા થઈ રહેલી લૂંટ અટકાવવાની છે. ટૂંક સમયમાં અમારી સરકાર બન્યા બાદ બધા પ્રોજેક્ટ રદ કરવામાં આવશે.’