21 November, 2024 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિનિયર સિટિઝન કપલ
વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે અંધેરીનું સિનિયર સિટિઝન કપલ પોતાનો યુરોપનો પ્રવાસ ૨૨ નવેમ્બરે પૂરો કરીને મુંબઈ પાછું ફરવાનું હતું, પણ આખું પ્લાનિંગ ચેન્જ કરીને ૧૯ નવેમ્બરે મુંબઈ આવીને ગઈ કાલે સવારે વોટિંગ કરીને તેમણે દેશ પ્રત્યેની પોતાની ફરજ અદા કરી હતી.
અમે ૧૦ દિવસ સ્પેન અને ૧૦ દિવસ લંડન એમ ૨૦ દિવસનો પ્લાન બનાવ્યો હતો. હોટેલ, ટિકિટ વગેરેનું બુકિંગ પણ કરી નાખ્યું હતું, પરંતુ એ પછી અમને ખબર પડી કે ૨૦ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે તો મેં તરત જ મારા દીકરાને કહીને બધું જ પ્લાનિંગ ચેન્જ કરાવ્યું હતું એમ જણાવતાં અંધેરીમાં રહેતા સિનિયર સિટિઝન કિશોર ભૂપતાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે બુધવારે સવારે અંધેરી-વેસ્ટમાં આવેલા લલ્લુભાઈ પાર્ક એરિયાના મતદાન-કેન્દ્ર પર જઈને સવારે ૯.૧૫ વાગ્યે અમે સૌથી પહેલું કામ વોટ આપવાનું કર્યું હતું. ચૂંટણી હોવાથી અમે ત્રણ દિવસ પહેલાં જ ઘરે આવી ગયાં હતાં જેથી અમે વોટિંગ કરી શકીએ, કારણ કે ફરવા તો ગમે ત્યારે જઈ શકાશે, પણ વોટિંગ દર વર્ષે નહીં આવે એવા વિચારથી અમે અમારો આખો પ્લાન ચેન્જ કરી નાખ્યો હતો. બુધવારે મેં અને મારી પત્ની અમિતા ભૂપતાણીએ સાથે જઈને વોટિંગ કર્યા પછી દિવસના રૂટીનની શરૂઆત કરી હતી. મતદાન-કેન્દ્ર પર બધી વ્યવસ્થિત સુવિધા હતી, અમને કોઈ જ તકલીફ થઈ નહોતી અને લોકો સરળતાથી વોટિંગ કરી રહ્યા હતા. વહેલી સવારે પણ લાઇન તો હતી જ.