26 October, 2024 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુરજી પટેલ
અંધેરી-ઈસ્ટની વિધાનસભા બેઠક પર મહા વિકાસ આઘાડી તરફથી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ ઋતુજા લટકેને ઉમેદવારી આપી દીધી છે, પણ આ બેઠક પર મહાયુતિમાંથી કોણ લડશે એ નક્કી નથી થઈ રહ્યું. આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાનિક નેતા મુરજી પટેલ ચૂંટણી લડવા માગે છે, પણ આ બેઠક માટે એકનાથ શિંદે આગ્રહી છે. જોકે એકનાથ શિંદે પાસે અંધેરી-ઈસ્ટમાં કોઈ મજબૂત ઉમેદવાર નથી એટલે BJPના મુરજી પટેલનો પ્રવેશ શિવસેનામાં કરાવીને લડાવવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આવી સમજૂતી થશે તો અંધેરી-ઈસ્ટમાં શિવસેના સામે શિવસેનાની લડાઈ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુરજી પટેલ આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળશે અને તેઓ શિવસેનામાં પ્રવેશ કર્યા બાદ અંધેરી-ઈસ્ટ બેઠકના ઉમેદવાર તરીકે તેમને જાહેર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અંધેરી-ઈસ્ટની બેઠકના એ સમયની અખંડ શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેનું મૃત્યુ થયા બાદ ૨૦૨૨માં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ અહીંની સ્થિતિ બદલાઈ ગઈ હતી એટલે પેટાચૂંટણીમાં રમેશ લટકેની પત્ની ઋતુજા સામે કોઈ ઉમેદવાર નહોતો આપવામાં આવ્યો. મુરજી પટેલે ઉમેદવાર નોંધાવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ એ પાછી ખેંચી લેવામાં આવી હતી.