27 November, 2024 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા શરદ પવારે ગઈ કાલે તેમની પાર્ટીના હારી ગયેલા ઉમેદવારોની બેઠક બોલાવી હતી. એમાં મોટા ભાગના ઉમેદવારોએ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ને લઈને શંકા વ્યક્ત કરીને આ બાબતે કંઈ કરવું જોઈએ એવી ભાવના વ્યક્ત કરી હતી.
ઉમેદવારોએ કરેલી ફરિયાદ બાદ શરદ પવારે પણ વકીલોની એક ટીમ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે બે ટીમ બનાવવાનું સૂચન કર્યું હતું, જેમાં એક ટીમ રાજ્યસ્તરે અને બીજી ટીમ કેન્દ્રીય સ્તરે તૈયારી કરીને લડત ચલાવે એવી જાહેરાત કરી હતી. આ મીટિંગમાં મરાઠા નેતાએ તમામ ઉમેદવારોને કેવળ આરોપ કરવાને બદલે EVMને લઈને જે પણ આક્ષેપ છે એના અને ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવેલા ભેદભાવભર્યા નિર્ણયોના પુરાવા ભેગા કરવાનું કહ્યું હતું. આવતી કાલ સુધી વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT) તપાસવાનો સમય હોવાથી તમામ ઉમેદવારોને તરત જ એની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો હતો.
શરદ પવારે તેમના ઉમેદવારોને કહ્યું હતું કે જે રીતે રાજ્યસ્તર પર આપણે લડત ચલાવીશું એ જ રીતે ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ (INDIA) પણ ચળવળ ચલાવશે.
આ બાબતે શરદ પવારની પાર્ટીના જિતેન્દ્ર આવ્હાડ અને રોહિત પવારે પ્રેસ-કૉન્ફરન્સ લઈને EVMના મુદ્દે દેશમાં લોકશાહી ખતરામાં હોવાનું કહી દીધું હતું. આ સિવાય ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ પણ EVMના મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.