25 October, 2024 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમીર ભુજબળ
મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ગઈ કાલે ઘોંચમાં પડેલી બેઠકોની સમજૂતી માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અમિત શાહ સાથે ત્રણ કલાક ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં અમિત શાહે ત્રણે નેતાઓને બળવા પર નિયંત્રણ રાખવાની સલાહ આપી હતી. જોકે એના ગણતરીના કલાકમાં જ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા છગન ભુજબળના ભત્રીજા સમીર ભુજબળે ગઈ કાલે NCPમાંથી રાજીનામું આપ્યું હતું અને નાશિક જિલ્લાના નાંદગાવમાં મહાયુતિમાંથી જાહેર કરવામાં આવેલા શિવસેનાના ઉમેદવાર સુહાસ કાંદે સામે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. સમીર ભુજબળ ભૂતપૂર્વ સંસદસભ્ય છે અને તેમણે વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હોવા છતાં તેમને ટિકિટ ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી.