09 October, 2024 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ શેલાર, પ્રિયા દત્ત
મુંબઈનાં ભૂતપૂર્વ સંસદસભ્ય પ્રિયા દત્ત પાંચ-છ વર્ષથી રાજકારણથી અળગાં છે ત્યારે તેઓ ફરી સક્રિય થયાં હોવાનું અને તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બાંદરા-વેસ્ટની બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય આશિષ શેલાર સામે મેદાનમાં ઊતરે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષા અને સંસદસભ્ય વર્ષા ગાયકવાડે એક અઠવાડિયા પહેલાં પ્રિયા દત્તની મુલાકાત કરી હતી અને તેમને ફરી રાજકારણમાં સક્રિય થવાનું કહ્યું હતું. આથી બે દિવસ પહેલાં કૉન્ગ્રેસના એક કાર્યક્રમમાં પ્રિયા દત્ત હાજર રહેવાની સાથે તેમણે લાંબું ભાષણ પણ આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં પરાજય થયા બાદ પ્રિયા દત્ત ગાયબ થઈ ગયાં હતાં અને પાંચ-છ વર્ષથી તેઓ કૉન્ગ્રેસના કોઈ કાર્યક્રમમાં દેખાયાં નહોતાં.
૨૦૧૯ની સ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ જુદી છે. એ સમયે અખંડ શિવસેના-BJP તો સામે કૉન્ગ્રેસ-અખંડ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની યુતિ હતી. હવે શિવસેના અને NCPમાં ભાગલા પડ્યા છે અને રાજ્યની રાજકીય પાર્ટીઓ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી એમ બે ગઠબંધનમાં વહેંચાઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં વિરોધી પક્ષોની મહાવિકાસ આઘાડીને મુંબઈમાં છમાંથી ચાર બેઠકમાં સફળતા મળી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને બાંદરા-વેસ્ટમાં ખ્રિસ્તી, મરાઠી અને મુસ્લિમ મતદારોનો સાથ મળવાની આશામાં કૉન્ગ્રેસે પ્રિયા દત્તને ઉતારવાનો પ્લાન બનાવ્યો હોવાનું કહેવાય છે. ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ જાણી શકાશે કે કૉન્ગ્રેસ પ્રિયા દત્તને આશિષ શેલાર સામે ઉતારે છે કે નહીં.