09 November, 2024 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીએ જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબની મુલાકાત લીધી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બપોરે ધુળેમાં પહેલી સભા સંબોધી હતી. એમાં તેમણે કૉન્ગ્રેસની આકરી ટીકા કરવાની સાથે મહિલાઓની સલામતી અને તેમને નોકરી આપવા પર ભાર મૂક્યો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે ‘મહાયુતિ સરકાર દ્વારા રાજ્યની ૨૫,૦૦૦ મહિલાઓની પોલીસમાં ભરતી કરવામાં આવશે. આનાથી મહિલાઓની સુરક્ષામાં વધારો થવાની સાથે તેમને નોકરી પણ ઉપલબ્ધ થશે. અમારી સરકારે મહિલાઓ માટે લાડકી બહિણ યોજના લાવીને તેમનું સન્માન કર્યું છે, પણ કૉન્ગ્રેસ અને એના સહયોગી પક્ષો આ યોજના બાબતે શંકા કરીને એને કોર્ટમાં પડકારે છે અને મહિલાઓને ભરમાવે છે. મહા વિકાસ આઘાડીની ગાડીમાં ન ટાયર છે, ન બ્રેક. ડ્રાઇવરની સીટ માટે પણ ત્રણેય પક્ષમાં રસ્સીખેંચ થઈ રહી છે. અમે જનતાને ઈશ્વરનું રૂપ માનીએ છીએ. હું જનતાની સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો છું, પણ મહા વિકાસ આઘાડીના નેતા જનતાને લૂંટવા માટે રાજકારણમાં આવ્યા છે. મહા વિકાસ આઘાડીના નેતાઓએ દરેક યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો છે. રાજ્યની જનતાએ તેમનું અઢી વર્ષનું શાસન જોયું છે. પહેલાં તેમણે સરકારને લૂંટી, બાદમાં જનતાને લૂંટી. તેમણે મેટ્રો પ્રોજેક્ટ બંધ કર્યો, વાઢવણ બંદરનું કામ રોકવાનો પ્રયાસ કર્યો એટલું જ નહીં; સમૃદ્ધિ મહામાર્ગના કામનો પણ વિરોધ કર્યો. આવા નેતાઓથી હવે મહારાષ્ટ્રની જનતાએ સાવધ રહેવાની જરૂર છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ધુળેમાં હતા ત્યારે તેમણે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબની મુલાકાત લીધી હતી. વડા પ્રધાને આ મુલાકાતના ફોટો તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કર્યા હતા અને લખ્યું હતું કે ‘સમાજસેવા અને અધ્યાત્મમાં તેમનું યોગદાન સરાહનીય છે. તેમના લેખનની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવે છે.’ મુલાકાત વખતે મહારાજસાહેબે વડા પ્રધાનને આશીર્વાદ આપ્યા હતા.
એક આહે તર સેફ આહે- નાશિકની સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું નવું સૂત્ર
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હિન્દુઓના મત વિભાજિત ન થાય એ માટે ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર આપ્યું છે એની દેશભરમાં ખૂબ ચર્ચા છે ત્યારે વડા પ્રધાને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષામાં નવું સૂત્ર આપ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગઈ કાલે નાશિકમાં આયોજિત કરવામાં આવેલી સભામાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ જાતિ-જાતિ વચ્ચે ઝઘડો કરાવીને એકતા તોડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. મારો એક જ મંત્ર છે, એક આહે તર સેફ આહે.’