સરકાર બનાવવા માટે ઓછો સમય છે એટલે રાજકીય પક્ષોના ધબકારા વધ્યા

19 October, 2024 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ડેડલાઇન અને ચૂંટણીના રિઝલ્ટ વચ્ચે માત્ર ત્રણ દિવસનો ફરક

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારની પાંચ વર્ષની મુદત ૨૬ નવેમ્બરે પૂરી થાય છે અને વિધાનસભાની ચૂંટણીનું રિઝલ્ટ ૨૩ નવેમ્બરે જાહેર થશે. નવી સરકાર બનાવવા માટે માત્ર ત્રણ જ દિવસનો સમય ચૂંટણીપંચે આપ્યો છે એને લીધે રાજકીય પક્ષોના ધબકારા વધી ગયા છે. કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે તો તાત્કાલિક સરકાર બની શકે, પણ આગામી ચૂંટણીમાં કોઈને બહુમતી મળવાની શક્યતા નથી. બીજું, આગામી ચૂંટણી મહાયુતિ અને મહા વિકાસ આઘાડીના રૂપમાં થઈ રહી છે એટલે સાથી-પક્ષોને વિશ્વાસમાં લઈને તાત્કાલિક માત્ર ત્રણ જ દિવસમાં સરકાર બનાવવામાં મુશ્કેલી થઈ શકે છે.

રાજકીય નિષ્ણાતોના મતે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયા બાદ સમયસર સરકાર ન બને તો રાષ્ટ્રપતિશાસન લાગુ કરવાનો વિકલ્પ હોય છે. જોકે રાજ્યપાલ સૌથી વધુ બેઠક મેળવનાર પાર્ટી કે તેના સહયોગીઓને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપી શકે છે. સરકાર બનાવવાનો દાવો કરનારા સંગઠન પાસે વિધાનસભ્યોની સંખ્યા જોઈને રાજ્યપાલ દાવાનો સ્વીકાર કરીને એને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાનું કહે છે. આથી મોટા ભાગે કોઈ મુશ્કેલી નહીં થાય. હા, રાજકીય પક્ષોએ ચૂંટણીનાં રિઝલ્ટ પહેલાં જ સરકાર બનાવવા માટેની તૈયારી કરવી પડશે.

mumbai news mumbai maharashtra assembly election 2024 maharashtra news maharashtra